રિલાયન્સ ફાઉન્ડેશનનું બ્રેઇલ અખબાર ‘દૃષ્ટિ’ હવે થયું સાપ્તાહિક

મુંબઈ: દૃષ્ટિબાધિત લોકો માટે સમાચાર અને માહિતી વધુ સુલભ બનાવવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું રિલાયન્સ ફાઉન્ડેશને લીધું છે. ફાઉન્ડેશનના દૃષ્ટિ કાર્યક્રમ હેઠળ પ્રકાશિત થતાં હિન્દી અને મરાઠીનાં ભારતનાં એકમાત્ર નોંધાયેલાં આંતરરાષ્ટ્રીય પખવાડિક બ્રેઇલ અખબારો હવે દર અઠવાડિયે પ્રકાશિત થશે. આ નિર્ણયથી વાચકોને સમાચાર, વર્તમાન પ્રવાહો અને વિવિધ વિષયો પરની માહિતી વધુ વાર ઉપલબ્ધ થશે. તેનાથી માહિતી મેળવવાની સુવિધા વધશે અને સમાજમાં તેમની સહભાગિતાને પ્રોત્સાહન મળશે.

બ્રેઇલ અખબારો દૃષ્ટિબાધિત લોકોની આંખોની સંભાળ અને તેમના સમાવેશ માટે રિલાયન્સ ફાઉન્ડેશનના વ્યાપક પ્રયાસોનો એક ભાગ છે. વર્ષ 2003માં શરૂ થયેલો આ કાર્યક્રમ દૃષ્ટિનું રક્ષણ અને પુનઃસ્થાપન, આંખોની સારવારની સુવિધાઓની પહોંચ વધારવા તેમ જ નેત્રદાન અંગે જાગૃતિ ફેલાવવા માટે કાર્ય કરે છે. નેશનલ એસોસિયેશન ફોર ધ બ્લાઇન્ડ (NAB) ઇન્ડિયા, શંકરા આઇ ફાઉન્ડેશન અને અરવિંદ આઇ કેર સિસ્ટમ સાથેની ભાગીદારી દ્વારા આ કાર્યક્રમ અટકાવી શકાય તેવી અને સારવારથી સુધારી શકાય તેવી દૃષ્ટિની સમસ્યાઓને દૂર કરવાનો પ્રયાસ કરે છે. ખાસ કરીને પૂરતી સુવિધાઓથી વંચિત સમુદાયોના લોકોને ધ્યાનમાં રાખીને શરૂ કરાયેલા આ કાર્યક્રમ દ્વારા શરૂઆતથી અત્યાર સુધીમાં બે લાખથી વધુ લોકો સુધી પહોંચાડવામાં આવી છે.

હિન્દી અને મરાઠી ભાષામાં પ્રકાશિત થતાં આ પખવાડિક અખબારોના વાચકોની સંખ્યા 30,000થી વધુ છે. હવે અખબારો સાપ્તાહિક ધોરણે પ્રકાશિત થવાથી તેની પહોંચ વધવાની અને વધુ દૃષ્ટિબાધિત લોકોના જીવનને સ્પર્શવાની અપેક્ષા છે. સાપ્તાહિક પ્રકાશન દ્વારા સુલભ માહિતી અને સામાજિક સમાવેશ વચ્ચેની મહત્ત્વપૂર્ણ કડીને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે. છેલ્લા બે દાયકામાં આ ભાગીદારી દ્વારા 22,500થી વધુ લોકોને દૃષ્ટિનું અમૂલ્ય સુખ પાછું મેળવવામાં મદદ મળી છે. તેનાથી તેઓ વધુ આત્મવિશ્વાસ અને નવી તકો સાથે જીવન જીવી શકે તે માટે સશક્ત બન્યા છે. આ પ્રયાસો દૃષ્ટિબાધિત સમુદાય પ્રત્યે રિલાયન્સ ફાઉન્ડેશનની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

આ વર્ષે જાન્યુઆરીમાં રિલાયન્સ ફાઉન્ડેશનનાં સ્થાપક અને અધ્યક્ષ નીતા એમ. અંબાણીએ મુંબઈમાં NAB ઇન્ડિયાના 75મા સ્થાપના દિવસની ઉજવણી દરમિયાન રિલાયન્સ ફાઉન્ડેશન તરફથી રૂ. પાંચ કરોડની સહાય આપવાની પ્રતિબદ્ધતાની જાહેરાત કરી હતી. દૃષ્ટિ બ્રેઇલ અખબારો હવે દર અઠવાડિયે પ્રકાશિત થવાથી દૃષ્ટિબાધિત લોકો સુધી સમાચાર અને માહિતીની પહોંચ વધુ સરળ બનશે તથા સમાજમાં તેમના સમાવેશને પ્રોત્સાહન મળશે.