મુંબઈમાં રેખ્તા ગુજરાતી ઉત્સવમાં મુશાયરા અને ગીત-સંગીતની મહેફિલ
મુંબઈ: રેખ્તા ફાઉન્ડેશને શહેરમાં 11મી જાન્યુઆરીના રોજ પ્રથમ ગુજરાતી કાર્યક્રમ ‘ગુજરાતી ઉત્સવ’ યોજ્યો હતો. ચોપાટી સ્થિત ભારતીય વિદ્યા ભવનમાં મુશાયરામાં ગઝલ-ગીતની સંગીત સંધ્યામાં વૈવિધ્યસભર ગીત-સંગીતની મહેફિલ જામી હતી. કાર્યક્રમમાં પ્રેક્ષકો પહેલી ક્ષણથી જ ઓતપ્રોત જોવા મળ્યા હતા. મુંબઈમાં રેખ્તા ગુજરાતીના પ્રથમ કાર્યક્રમના દિવસે જ સ્વર્ગસ્થ પદ્મશ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયના અવસાનને એક મહિનો થયો હતો. તેઓને યાદ કરતાં સંસ્થાએ ઉત્સવ એમને સમર્પિત કર્યો હતો.રેખ્તા ફાઉન્ડેશનના સલાહકાર અને સંપાદક ઉદયન ઠક્કરે અતિથિઓનું સ્વાગત કર્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન સૉલિસિટર જનરલ ઑફ ઇન્ડિયા તુષાર મહેતા તો અતિથિ વિશેષ તરીકે રાજ્યસભાના સંસદ સભ્ય અને રિલાયન્સ ગ્રુપ ઑફ ઇન્ડસ્ટ્રીઝના ડિરેક્ટર (કૉર્પોરેટ અફેર્સ) પરિમલ નથવાણી હાજર રહ્યા હતા. જાણીતા અભિનેત્રી સરિતા જોશીએ ગુજરાતી ભાષાવૈભવને બિરદાવતી પંક્તિઓ રજૂ કરવા સાથે આપણી ભાષાસમૃદ્ધિ અને ગરિમાને વંદન કર્યાં હતાં.રેખ્તાના સ્થાપક સંજીવ સરાફે રેખ્તા ગુજરાતીની પૂર્વભૂમિકા અને એના ઉદ્દેશોની વાત કરતાં જણાવ્યું હતું, “બાર વરસ પહેલાં અમે ઉર્દૂ ભાષા અને સાહિત્ય માટે રેખ્તાની શરૂઆત કરી હતી. આજે રેખ્તા ભાષાવિકાસ માટે આંદોલન બન્યું છે. આ સફળતાએ અમને પ્રોત્સાહિત કર્યા કે અન્ય ભારતીય ભાષાઓ માટે કાર્ય કરીએ. એથી અમે સૂફી પરંપરાની અને, હિન્દી અને રાજસ્થાની ભાષાની વેબસાઇટ કરી. રેખ્તા ગુજરાતી પણ આ દિશામાં જ એક પગલું છે. તુષારભાઈ મહેતાના ગુજરાતી ભાષા-સાહિત્યના લગાવ અને પ્રોત્સાહનને કારણે અમે શરૂઆત કરી શક્યા છીએ. અમારો પ્રયાસ છે કે અમે ગુજરાતી ભાષા-સાહિત્યને નગરે-નગરે પહોંચાડીએ.”તુષાર મહેતાએ મુંબઈને ગુજરાતી સાહિત્યની અસલી રાજધાનીની ઉપમા આપી હતી. સાથે, ગુજરાતી ભાષાને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડવા રેખ્તાનાં કાર્યોની મહત્તા નોંધી હતી. તેઓએ કહ્યું હતું, “આપણે કદાચ નવી પેઢીને ગુજરાતી વાંચતા અને લખતા શીખવ્યું પણ માણતા શીખવવાનું ભૂલી ગયા છીએ. એ અવકાશ પૂરવાનું કામ રેખ્તા કરી રહ્યું છે. એ શીખવવા માટે રેખ્તા વિશ્વનું શ્રેષ્ઠ પ્લેટફોર્મ છે. શેક્સપિયર અને તુલસીદાસ સાંપ્રત હતા છતાં, એકને આખી દુનિયા ઓળખે છે અને તુલસીદાસને માત્ર મર્યાદિત લોકો. બંગાળી સાહિત્યકાર શરદબાબુને પણ દુનિયા ઓળખે છે પણ આપણા શ્રેષ્ઠ સાહિત્યસર્જકોને નહીં. આપણા સર્વોત્તમ સાહિત્યનો પણ ઉત્તમ અનુવાદ થયો હોત તો આજે નર્મદને આખી દુનિયા ઓળખતી હોત. આપણે જે કરવામાં નિષ્ફળ ગયા છીએ એ કાર્ય કરવાને રેખ્તા સક્ષમ પણ છે અને સચોટ મંચ પણ. નર્મદને નવી પેઢી સુધી લઈ જવાની સેવા રેખ્તા કરી રહ્યું છે.”કાર્યક્રમના પૂર્વાર્ધમાં એ પછી મુશાયરો યોજાયો હતો. એમાં રાજેશ વ્યાસ ‘મિસ્કિન’, ભાવેશ ભટ્ટ, કૃષ્ણ દવે, હેમેન શાહ, સંજુ વાળા, મુકેશ જોશી અને હર્ષવી પટેલ જેવી પ્રતિભાઓએ ગઝલ-ગીતની અસરકારક રજૂઆત કરી હતી. મધ્યાંતર પછી પ્રફુલ દવે અને હાર્દિક દવેએ ગુજરાતી ગીત-સંગીતની રજૂઆતથી અલગ વિશ્વ સર્જ્યું હતું. એમાં જાણીતાં ગીતો સહિત ઓછાં જાણીતાં પણ અજરામર ગીતોની પેશકશ કરવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન જાણીતા સાહિત્યકાર અંકિત ત્રિવેદીએ કર્યું હતું. રેખ્તા ગુજરાતીનો આગામી કાર્યક્રમ 19 જાન્યુઆરીએ ભાવનગરમાં યોજાશે.