રાન્યા રાવની જામીન અરજી DRI કોર્ટે ફગાવી

બેંગલુરુઃ કન્નડ અભિનેત્રી રાન્યા રાવની જામીન અરજીને શુક્રવારે આર્થિક અપરાધ કોર્ટે ફગાવી દીધી હતી, જે સોનાની દાણચોરીના મોટા કેસમાં આરોપી છે. રાન્યા રાવને ત્રીજી માર્ચે દુબઈથી બેંગલુરુના કેમ્પેગોડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી 12.56 કરોડ રૂપિયાના મૂલ્યના 14 કિલોગ્રામ સોનાના બિસ્કિટ સાથે ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે રાવ સામે ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે.

આ  કેસના બીજા આરોપી તરુણ કોંડુરુએ પોતાની જામીન અરજી દાખલ કરી હતી. આર્થિક અપરાધ અદાલત દ્વારા રાવની જામીન અરજી ફગાવવાના નિર્ણયથી કેસમાં નવો વળાંક આવ્યો છે, અને હવે તરુણ કોંડુરુની અરજી પર અદાલતનો નિર્ણય મહત્વનો બની રહેશે.

સોનાની દાણચોરીના કેસમાં આવક ગુપ્તચર નિર્દેશાલય (DRI)એ રાન્યા રાવની જામીન અરજીનો વિરોધ કર્યો હતો. DRIના મતે જો રાવને જામીન આપવામાં આવશે, તો તે તપાસમાં અવરોધ ઊભો કરી શકે છે અને સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે. એ સાથે જ પુરાવાઓ સાથે છેડછાડ થવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.

રાન્યા રાવે કસ્ટડી દરમિયાન દુર્વ્યવહાર થયાનો આરોપ લગાવ્યો છે. તેના જણાવ્યા મુજબ DRI અધિકારીઓએ તે સમયે તેમને માનસિક દબાણ આપ્યું જ્યારે તેણે કેટલાક પ્રશ્નોના ઉત્તર આપવા માટે સંકોચ દાખવ્યો હતો. રાવે દાવો કર્યો છે કે અધિકારીઓએ તેમની યોગ્ય સંમતિ વિના દસ્તાવેજો પર હસ્તાક્ષર કરવા માટે દબાણ કર્યું હતું.

DRIએ રાવ પર આરોપ મૂક્યો હતો કે તે સોનાની દાણચોરીમાં સામેલ છે અને આ તપાસમાં હવે અન્ય આરોપીઓનાં નામ પણ સામે આવી શકે છે.