રાન્યા રાવ કેસઃ EDએ બેંગલુરુમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા

બેંગલુરુઃ સોનાની દાણચોરી કેસમાં હવે રાન્યા રાવની મુશ્કેલીઓ વધી શકે છે, કારણ કે ED દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી છે. અધિકારીએ જણાવ્યું હતું કે EDએ કર્ણાટકમાં પણ આઠ સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ સાથે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ બેંગલુરુમાં રાન્યા રાવના પતિ જતીન વિજયકુમાર હુકરી સાથે જોડાયેલાં આઠ સ્થળો પર દરોડા પાડ્યા હતા. CBI, ED અને DRI જેવી ત્રણ એજન્સીઓ દ્વારા આ કેસમાં તપાસ કરવામાં આવી રહી છે.

રાન્યા રાવ વારંવાર દુબઈના પ્રવાસે જતી હતી, જોકે તે પોલીસ અધિકારીની દીકરી હોવાને કારણે તેની કોઈ તપાસ પણ કરવામાં નહોતી આવતી. પરંતુ વારંવાર દુબઈની ટ્રિપ પર જતી હોવાથી અધિકારીઓને શંકાઓ થઈ હતી. અધિકારીએ મિડિયાને જણાવ્યું હતું કે માત્ર 15 દિવસમાં રાન્યા રાવ ચાર વખત દુબઈ ગઈ હતી. રાન્યા રાવ સોનું પોતાના કપડામાં છુપાવીને લાવતી હતી. EDએ કર્ણાટકમાં પણ આઠ સ્થળો પર દરોડા પાડ્યા હતા. જ્યારે તેના રાન્યાના ઘર પર દરોડા પાડવામાં આવ્યા તો  2.06 કરોડના સોના સાથે 2.67 કરોડ રૂપિયા રોકડા પણ મળી આવ્યા હતા. અધિકારીઓનું કહેવું છે કે રાન્યા સોનાની દાણચોરી કરતી મોટી સિન્ડિકેટનો ભાગ હતી.

દુબઈથી સોનાની તસ્કરી કરીને રાન્યા ભારતમાં લાવતી હતી. તપાસમાં એવું સામે આવ્યું હતું કે આમાં રાન્યાને એક કિલો સોનાની તસ્કરી પર ચારથી પાંચ લાખ રૂપિયા મળતા હતા. અધિકારીએ આ મામલે જણાવ્યું હતું કે રાન્યાને ઇન્ટરનેટ કોલ આવતો અને તે દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ 3ના ગેટ A પરથી સોનું લેવાનું કહેવામાં આવતું. પછી તે સોનું ભારતમાં લાવતી હતી. તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે સુરક્ષા તપાસમાં એક અધિકારી પણ તેની મદદ કરતો હતો. એ વાત તો ચોક્કસ છે કે અધિકારીઓની સંડોવણી વિના તો કોઈ પણ કાર્ય થઈ શકે નહીં.