હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ ગુજરાતમાં હળવા વરસાદથી ઝાપટા વરસી શકે છે તેવી આગાહી કરી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં હાલમાં સાત દિવસ પૂરતી વરસાદની શક્યતા નહિવત છે. તેમજ પવનની ગતિ પણ સામાન્ય રહેતા માછીમારો માટે પણ કોઈ વોર્નિંગ જાહેર કરવામાં આવી નથી. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં કેટલાક વિસ્તારમાં છુટા છવાયા હળવા વરસાદી ઝાપટા વરસી શકે છે.
રાજ્ય ઉપર કોઈપણ વરસાદી સિસ્ટમ સક્રિય થઇ નથી
હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં છુટા છવાયા હળવા વરસાદી ઝાપટાની આગાહી છે. ત્યારબાદ પાંચ દિવસ દરમિયાન વરસાદની નહિવત સંભાવના છે. હાલમાં ગુજરાત રાજ્ય ઉપર કોઈપણ વરસાદી સિસ્ટમ સક્રિય થઇ નથી. જેને કારણે 15 થી 21 ઓગસ્ટ દરમિયાન ગુજરાત રાજ્યમાં વરસાદની નહિવત સંભાવના છે. રાજ્યના કોઈપણ ભાગમાં વરસાદ વરસે ત્યારે ગાજવીજની શક્યતા છે.
સૌથી વધુ 88 ટકા વરસાદ કચ્છ ઝોનમાં નોંધાયો
ગુજરાતમાં સિઝનનો કુલ 72.23 ટકા વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ 88 ટકા વરસાદ કચ્છ ઝોનમાં નોંધાયો છે. ત્યાર બાદ દક્ષિણ ગુજરાતમાં 86.40, સૌરાષ્ટ્રમાં 79.94, મધ્ય ગુજરાતમાં 56.26 અને ઉત્તર ગુજરાતમાં 54.08 ટકા વરસાદ નોંધાયો છે. તે ઉપરાંત રાજ્યના જળાશયોની સ્થિતિની વાત કરીએ તો, રાજ્યના 207 જળાશયોમાં હાલ 72 ટકા પાણીનો જથ્થો છે. જેમાં ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 30.18, મધ્ય ગુજરાતના 17 ડેમમાં 52.47, દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 75.42, કચ્છના 20 ડેમમાં 51.25, સૌરાષ્ટ્રના 141 ડેમમાં 53.61 અને નર્મદા ડેમમાં 88.35 ટકા પાણીનો જથ્થો છે.