અરબી સમુદ્રમાંથી ઉદભવેલું બિપોરજોય નામનું વાવાઝોડું પોતાની દિશા બદલતા હવે ગુજરાત પર તેનો સૌથી વધુ ખતરો મંડરાયેલો છે. રાજ્યમાં બિપોરજોય વાવાઝોડાનું સંકટ ઝડપથી આગળ વધી રહ્યું છે. ત્યારે તંત્ર દ્વારા પણ આ વાવાઝોડાની સંભવીત પરિસ્થિતિને પહોંચી વળવા માટે એલર્ટ બન્યું છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
બિપોરજોય વાવાઝોડાના મંડરાતા ખતરા વચ્ચે હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગે રાજ્યના અમુક જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે. જેમાં આજે કચ્છ,રાજકોટ, જામનગર, દ્વારકા અને પોરબંદરમાં ભારે વરસાદની શક્યતા છે. બિપોરજોય વાવાઝોડાની અસરને પગલે આ જિલ્લામા ગાજવીજ અને વીજળીના કડાકા સાથે વરસાદ ખાબકશે.
24 થી 48 કલાકમાં ગુજરાતના દરિયાકિનારે ટકરાઈ શકે છે વાવઝોડું
હવામાન વિભાગના જણાવ્યા મુજબ બિપોરજોય વાવાઝોડુ પોરબંદરથી 340 કિમી દૂર છે. તથા વાવાઝોડુ બિપોરજોય દ્વારકાથી 380 કિમી દૂર છે. અને આ વાવાઝોડું 2 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. જેના કારણે આ વાવાઝોડુ આગામી 24 થી 48 કલાકમાં ગુજરાતના દરિયાકિનારે ટકરાય તેવી શક્યતા રહેલી છે. જેના કારણે ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડી શકે છે.
સૌરાષ્ટ્ર કચ્છમાં વાવઝોડાનું યલો એલર્ટ
બિપોરજોય વાવાઝોડાનો ગુજરાત પર ખતરો વધી રહ્યો છે. આ વચ્ચે સૌરાષ્ટ્ર કચ્છમાં વાવાઝોડાનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવાઝોડાની ભારે અસર વર્તાશે તેને જોતાં તંત્ર સંપૂર્ણ રીતે એલર્ટ બન્યું છે.
14 અને 15 તારીખે અતિભારે વરસાદની આગાહી
મહત્વનું છે કે આ વાવાઝોડુ 15મી જૂન સુધી કચ્છ સુધી પહોંચી શકે છે. જેના કારણે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં આગામી 14 અને 15 તારીખના રોજ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.