‘ભારત જોડો યાત્રા’ બાદ હવે રાહુલ ગાંધી કરશે ‘ભારત ન્યાયયાત્રા’

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ-તેમ રાજકીય પક્ષો ચૂંટણીલક્ષી કામગીરી શરૂ કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ દ્વારા લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા બાદ હવે વધુ એક યાત્રા કાઢવાની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસે આ યાત્રાને ‘ભારત ન્યાય યાત્રા’ નામ આપ્યું છે, જે 14 જાન્યુઆરીથી શરૂ થઈને 20 માર્ચના રોજ સમાપ્ત થશે. મણિપુરથી ગુજરાત થઈ મુંબઈ સુધીની આ યાત્રામાં કોંગ્રેસ 6,200 કિલોમીટરનું અંતર કાપશે. આ યાત્રા 14 રાજ્યોના 85 જિલ્લાઓની 90 લોકસભા બેઠકોને કવર કરવામાં આવશે. જે બસ દ્વારા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ પગપાળા ચાલીને ભારત જોડો યાત્રાને કવર કરી હતી.

આ મેગા યાત્રામાં બસનો ઉપયોગ કરવામાં આવશે, જેના દ્વારા 14 રાજ્યોના 85 જિલ્લાઓને આવરી લેવામાં આવશે. આ 6200 કિલોમીટરની યાત્રામાં કોંગ્રેસ જે રાજ્યોને આવરી લેશે તેમાં મણિપુર, નાગાલેન્ડ, આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશા, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. આ યાત્રામાં વધુમાં વધુ લોકો સુધી પહોંચવા માટે બસ સેવા ઉપલબ્ધ હશે. આ ઉપરાંત યાત્રામાં ભાગ લેનાર આગેવાનો સમયાંતરે થોડો સમય પદયાત્રા પણ કરી શકશે. જ્યારે કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશને પૂછવામાં આવ્યું કે, આ યાત્રાનું નામ ન્યાયયાત્રા શા માટે રાખવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, “અમે જનતાને ખાતરી આપવા માંગીએ છીએ કે અમે આર્થિક, સામાજિક અને વ્યૂહાત્મક ન્યાય આપીશું. પ્રથમ યાત્રા 12 રાજ્યોમાંથી પસાર થઈ હતી જ્યારે આ બીજી યાત્રા 14 રાજ્યોમાંથી પસાર થશે.

દેશમાં સરકાર વિરુદ્ધ વાતાવરણ બનાવવાની તૈયારી

કોંગ્રેસનો ઉદ્દેશ્ય આ યાત્રા દ્વારા વધુમાં વધુ લોકો સુધી પહોંચવાનો છે, તેથી જ પાર્ટીએ આટલી લાંબી યાત્રાનો માર્ગ પસંદ કર્યો છે. પાર્ટીએ આની શરૂઆત મણિપુરથી કરી છે કારણ કે ગયા વર્ષના મે મહિનાથી ત્યાં હિંસાનો સમયગાળો ચાલી રહ્યો છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર મળીને અત્યાર સુધી મણિપુરમાં હિંસા અટકાવી શકી નથી. રાહુલ ગાંધી થોડા દિવસો માટે મણિપુર પણ ગયા હતા અને ત્યાં હિંસા પીડિતોને પણ મળ્યા હતા. આ ઉપરાંત કોંગ્રેસે મણિપુર હિંસા અંગે સંસદમાં સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પણ લાવ્યો હતો. જો કે આ પ્રસ્તાવ ફગાવી દેવામાં આવ્યો હતો. હવે કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી મણિપુરને પોતાના આધાર તરીકે ઉપયોગ કરીને દેશમાં સરકાર વિરુદ્ધ વાતાવરણ બનાવવાની તૈયારી કરી રહ્યા છે.

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા શું હતી?

કોંગ્રેસે રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો યાત્રા શરૂ કરી હતી. 7 સપ્ટેમ્બર, 2022ના રોજ શરૂ થયેલી આ યાત્રા લગભગ 5 મહિના સુધી ચાલી હતી. ભારત જોડો યાત્રા દ્વારા અલગ-અલગ રાજ્યોના કોંગ્રેસી નેતાઓ રાહુલ ગાંધી સાથે કન્યાકુમારીથી કાશ્મીર સુધી ચાલ્યા. આ યાત્રામાં કોંગ્રેસે લગભગ 3500 કિલોમીટરનું અંતર કાપ્યું હતું. કોંગ્રેસ પાર્ટીના જણાવ્યા અનુસાર, ભારત જોડો યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય ‘નફરત, ભય અને કટ્ટરતા’ની રાજનીતિ સામે લડવાનો હતો. આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા લોકોની આકાંક્ષાઓની અવગણના અને રાજકીય કેન્દ્રીકરણ અને અન્યાય સામે આપણે લડવાનું છે.