સિનિયર્સ દ્વારા મેડિકલ કોલેજમાં ત્રણ ઇન્ટર્ન ડોક્ટર્સ પર રેગિંગ

અમદાવાદઃ  ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાં રેગિંગ થયું છે. ત્રણ ઈન્ટર્ન ડોક્ટર્સને પર અભ્યાસ કરતા ઈન્ટર્ન તથા સિનિયર ડોક્ટર સહિત આઠ લોકોએ રેગિંગ કર્યું હતું. આ ઈજાગ્રસ્ત ત્રણેય ઈન્ટર્ન ડોક્ટરને સારવાર માટે સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ  છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા બે ઈન્ટર્ન ડોક્ટર્સને ગઈ કાલે રાત્રે મેડિકલ કોલેજ નજીકના સર્કલ પાસેથી બે કારમાં બેસાડીને હિલ ડ્રાઈવ વિસ્તારમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમની સાથેના ચાર ઈન્ટર્ન સહઅધ્યાયી તથા બે સિનિયર તબીબ અને બહારના અન્ય બે શખસો દ્વારા તેમની પાસે જાહેરમાં ના બોલી શકાય તેવા શબ્દો બોલાવી અને જો ના બોલે તો માર મારતા હતા. જયારે પીડિત ઈન્ટર્નને સવાલો પૂછવામાં આવતા હતા અને જો તે ખોટા જવાબ આપે તો પણ માર મારતા હતા.

આ ઉપરાંત કેફી દ્રવ્યોનું સેવન કરવાનું કહી માર માર્યા બાદ રાત્રિના ત્રણ કલાકે હોસ્ટેલે લાવ્યા હતા અને તેમના અન્ય સાથી ઈન્ટર્ન ડોક્ટરને પણ માર મારી ઈજાઓ પહોંચાડી હતી. આ  ઘટના બાદ ત્રણેય ઈન્ટર્ન ડોક્ટરે આ બાબતની જાણ કોલેજને તંત્રને કરતાં મેડિકલ કોલેજ તંત્ર હરકતમાં આવ્યું હતું અને ત્રણેય ઈન્ટર્ન ડોક્ટરની ફરિયાદ લઈને તેમને સર ટી.હોસ્પિટલમાં સારવાર માટે  દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે બીજી તરફ આ મામલે MLC નોંધવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

આ ઘટના અંગે મેડિકલ કોલેજના ડીન સુશીલ ઝાએ જણાવ્યું હતું કે મારામારીનો બનાવ બન્યાની ફરિયાદ આવી છે. આવતી કાલ શનિવારે રેગિંગ કમિટીની બેઠક મળશે અને તેમાં થનારા નિર્ણય અંગે આગળની થતી કાર્યવાહી થશે. મેડિકલ કોલેજના કોન્વોકેશનના આયોજનને લઈને વિદ્યાર્થીઓના જૂથ પડી ગયા હતા અને તેના કારણે આ બનાવ બન્યો હતો. જોકે મારામારીનું સાચું કારણ પોલીસ ફરિયાદ બાદ જ જાણવા મળી શકશે.