યુદ્ધના કવરેજ માટે જાણીતા અમેરિકન પત્રકાર પીટર આર્નેટનું નિધન

પુલિત્ઝર પુરસ્કાર વિજેતા પત્રકાર પીટર આર્નેટ (Peter Arnett), જેમણે દાયકાઓ સુધી ગોળીઓ અને બોમ્બથી બચીને વિયેતનામના ધાનના ખેતરોથી લઈને ઇરાકના રણ સુધીના યુદ્ધોના પ્રત્યક્ષ અહેવાલો વિશ્વ સમક્ષ રજૂ કર્યા હતા, તેમનું 91 વર્ષની વયે અવસાન થયું છે.

એસોસિએટેડ પ્રેસ માટે વિયેતનામ યુદ્ધના કવરેજ માટે 1966માં આંતરરાષ્ટ્રીય રિપોર્ટિંગ માટે પુલિત્ઝર પુરસ્કાર જીતનાર પીટર આર્નેટનું બુધવારે ન્યુપોર્ટ બીચ પર નિધન થયું છે. આ જાણકારી તેમના મિત્ર એન્ડ્રુ આર્નેટે આપી છે. પીટર અર્નેટની અંતિમ ક્ષણોમાં તેમના મિત્રો અને પરિવારજનો તેમની સાથે હતા. તે પ્રોસ્ટેટ કેન્સરથી પીડિત હતા. આ બિમારીને કારણે પીટર આર્નેટને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

વાયર સર્વિસ સંવાદદાતા તરીકે, આર્નેટે 1962 થી 1975 માં યુદ્ધના અંત સુધી વિયેતનામમાં રિપોર્ટિંગ કર્યું, અને તે સમય દરમિયાન, તેઓ મુખ્યત્વે અન્ય પત્રકારોમાં જાણીતા હતા. જોકે, 1991 માં સીએનએન માટે પ્રથમ ગલ્ફ વોર પર લાઇવ રિપોર્ટિંગ કર્યા પછી તેઓ ઘર-ઘરમાં જાણીતા બન્યા. પીટર આર્નેટનો જન્મ ન્યુઝીલેન્ડમાં થયો હતો. તે અમેરિકામાં પત્રકાર તરીકે કાર્યરત હતાં.