ગુરુગ્રામમાં પ્રોપર્ટી સ્કેમઃ દલાલોએ કરી રૂ. 200 કરોડની છેતરપિંડી

નવી દિલ્હીઃ જરા કલ્પના કરો—તમે તમારી મહેનતની કમાણીથી એક શાનદાર લક્ઝરી ફ્લેટ ખરીદો છો, કરોડો રૂપિયા ચૂકવો છો, પરંતુ પછી ખબર પડે કે એ ફ્લેટ વાસ્તવમાં અસ્તિત્વમાં જ નથી. દિલ્હી પોલીસે આવી જ એક સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે, જેણે ગુરુગ્રામના સૌથી પ્રીમિયમ પ્રોજેક્ટ ‘DLF કેમેલિયાસ’માં એક એવો ફ્લેટ 12 કરોડ રૂપિયામાં વેચી દીધો, જે ક્યારેય હતો જ નહીં. તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગ અત્યાર સુધીમાં અનેક રાજ્યોમાં 200 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરી ચૂકી છે.

ખરીદદારો કેવી રીતે ફસાયા

પોલીસના જણાવ્યા અનુસાર આ ગેંગનો કામ કરવાની રીત ખૂબ જ પ્રોફેશનલ અને વિશ્વસનીય દેખાતી હતી. મુખ્ય આરોપી મોહિત ગોગિયા અને તેના સાથીઓએ પીડિતને બેંક હરાજીના નકલી દસ્તાવેજો બતાવ્યા. તેમણે દાવો કર્યો હતો કે તેમની કંપનીએ DLF કેમેલિયાસનો એક લક્ઝરી એપાર્ટમેન્ટ બેંક ઓક્શન દ્વારા જીત્યો છે અને બજાર ભાવ કરતાં ઓછા ભાવે તરત ટ્રાન્સફર કરી શકે છે.

દસ્તાવેજોને સાચા માનીને પીડિતે ગયા વર્ષે ઑગસ્ટથી ઓક્ટોબર વચ્ચે 12 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા. પરંતુ જ્યારે ખરીદદારે વેરિફિકેશન માટે બેંકનો સંપર્ક કર્યો, ત્યારે તેના પગ નીચેથી જમીન ખસી ગઈ. બેંકે સ્પષ્ટ કર્યું કે આવી કોઈ હરાજી થઈ જ નથી અને તમામ સર્ટિફિકેટ, રસીદો તથા લેટરહેડ્સ સંપૂર્ણપણે નકલી છે.

ગેરકાયદે ફંડ ટ્રેલનો થયો ખુલાસો

DCP ક્રાઈમ આદિત્ય ગૌતમના જણાવ્યા મુજબ આ ગેંગ પૈસાનો પત્તો છુપાવવા માટે શેલ કંપનીઓ અને અનેક બેંક ખાતાઓનો ઉપયોગ કરતો હતો. 38 વર્ષીય મોહિત ગોગિયાની ત્યારે ધરપકડ કરવામાં આવી જ્યારે તે મુંબઈથી ભાગીને ઉત્તરાખંડમાં છુપાવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પોલીસે તેને ઋષિકેશ-દેહરાદૂન રોડ પરથી પકડી લીધો.

આ કેસમાં વિશાલ મલ્હોત્રા, સચિન ગુલાટી, અભિનવ પાઠક અને ભારત છાબડાને પણ ધરપકડ કરવામાં આવી છે. તેમના પર મની લોન્ડરિંગ અને નકલી દસ્તાવેજો તૈયાર કરવામાં મદદ કરવાનો આરોપ છે. ઠગાઈના પૈસાથી ખરીદેલી બે લક્ઝરી કાર જપ્ત કરવામાં આવી છે અને અનેક શંકાસ્પદ બેંક ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા છે.