તાજેતરમાં ક્રિશ ફ્રેન્ચાઇઝી અંગે એક મોટી માહિતી સામમે આવી છે. અહેવાલ છે કે આ વખતે પ્રિયંકા ચોપરા જોનાસ પણ આ ફિલ્મ દ્વારા ફ્રેન્ચાઇઝીમાં વાપસી કરવા જઈ રહી છે.
પિંકવિલાના એક અહેવાલ મુજબ, પ્રિયંકા ચોપરાએ ‘ક્રિશ 4’માં મુખ્ય અભિનેત્રીની ભૂમિકા સાઈન કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રિયંકા આ ફિલ્મ પ્રત્યે ઋત્વિકના વિઝનથી એટલી પ્રભાવિત થઈ હતી કે તેણે તરત જ સંમતિ આપી દીધી. તે ઋત્વિકના નિર્દેશનમાં કામ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. આ સમાચારથી ચાહકો પણ ખુશ છે, કારણ કે ‘ક્રિશ’ અને ‘ક્રિશ 3’માં પ્રિયંકા અને ઋત્વિકની જોડી ખૂબ પસંદ કરવામાં આવી હતી. તેમની ઓન-સ્ક્રીન કેમિસ્ટ્રીએ દર્શકોના દિલ જીતી લીધા હતાં.
ફિલ્મમાં બીજા એક ખાસ પાત્રની વાપસીના સમાચાર છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ફ્રેન્ચાઇઝનો પ્રિય એલિયન જાદુ પણ ‘ક્રિશ 4’માં જોવા મળશે. જાદુનું પાત્ર હંમેશા ચાહકોનું પ્રિય રહ્યું છે અને હવે તેના પાછા ફરવાના સમાચારે ઉત્સાહ બમણો કરી દીધો છે. આ વખતે જાદુ શું ભૂમિકા ભજવશે તે જોવું રસપ્રદ રહેશે.
રાકેશ રોશને સત્તાવાર જાહેરાત કરી
28 માર્ચે ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક રાકેશ રોશને એક ખાસ પોસ્ટ દ્વારા માહિતી આપી હતી કે હવે ‘ક્રિશ 4’નું દિગ્દર્શન તેમના પુત્ર ઋત્વિક રોશન કરશે. રાકેશ રોશને લખ્યું હતું કે, “ડુગ્ગુ, 25 વર્ષ પહેલા મેં તને એક અભિનેતા તરીકે લોન્ચ કર્યો હતો. આજે, 25 વર્ષ પછી, આદિત્ય ચોપરા અને હું તને દિગ્દર્શક તરીકે લોન્ચ કરી રહ્યા છીએ. આ અમારી સૌથી ખાસ ફિલ્મ ‘ક્રિશ 4’ હશે.” આ રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ‘ક્રિશ 4’નું શૂટિંગ 2026 ની શરૂઆતમાં શરૂ થશે.
પ્રિયંકા દક્ષિણની ફિલ્મમાં પણ જોવા મળશે
‘ક્રિશ 4’ ઉપરાંત, પ્રિયંકા બીજી એક મોટી ભારતીય ફિલ્મમાં જોવા મળશે. તે એસએસ રાજામૌલીની પેન-ઇન્ડિયા ફિલ્મ, જેનું નામ SSMB 29 છે, તેમાં કામ કરી રહી છે. આ ફિલ્મમાં દક્ષિણના સુપરસ્ટાર મહેશ બાબુ મુખ્ય ભૂમિકામાં છે. તાજેતરમાં ફિલ્મની ટીમ ઓડિશામાં શૂટિંગ કરતી જોવા મળી હતી.
