PM મોદી G-7 માટે ઈટાલી જવા રવાના થયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-7ના વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેવા ગુરુવારે ઈટાલી જવા રવાના થયા હતા. G-7ના વાર્ષિક શિખર સંમેલનમાં હાજરી આપવા ઉપરાંત, વડા પ્રધાન ઇટાલીના વડા પ્રધાન મેલોની સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. વડા પ્રધાન મોદી ઉપરાંત યુએસ પ્રમુખ જો બિડેન, તેમના ફ્રેન્ચ સમકક્ષ ઇમેન્યુઅલ મેક્રોન, જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદા અને કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો સમિટમાં ભાગ લેનારા ટોચના નેતાઓમાં સામેલ છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સ્કી પણ તેમના દેશ પર રશિયન આક્રમણ અંગેના સત્રમાં ભાગ લેવાના છે. સૂત્રોનું કહેવું છે કે જી-7 બેઠક દરમિયાન વડાપ્રધાન આ નેતાઓ સાથે પણ વાત કરે તેવી શક્યતા છે.

ઇટાલી જતા પહેલા પીએમએ કહ્યું કે તેઓ ખુશ છે કે સતત ત્રીજા કાર્યકાળમાં તેમની પ્રથમ મુલાકાત G-7 સમિટ માટે ઇટાલીની છે. વડાપ્રધાન કાર્યાલય (PMO) તરફથી જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીના આમંત્રણ પર હું 14 જૂન 2024ના રોજ G7 આઉટરીચ સમિટમાં ભાગ લેવા ઈટાલીના અપુલિયા પ્રદેશની યાત્રા કરી રહ્યો છું.