ઘાનામાં વડા પ્રધાન મોદીને દેશનું સર્વોચ્ચ સન્માન

ઘાનાઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમના ઉત્કૃષ્ટ રાજકીય નેતૃત્વ અને પ્રભાવશાળી વૈશ્વિક નેતૃત્વ માટે ઘાનાના રાષ્ટ્રીય સન્માન ‘ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના’થી નવાજવામાં આવ્યા છે. મોદીએ ઘાનાના રાષ્ટ્રપતિ જ્હોન ડ્રામાની મહામા પાસેથી આ પુરસ્કાર પ્રાપ્ત કર્યો હતો.

મોદીએ Xની એક પોસ્ટમાં લખ્યું હતું કે ઘાનાના ‘સ્ટાર ઓફિસર ઓફ ધ ઓર્ડર’થી સન્માનિત થવાથી મને ગૌરવની અનુભૂતિ થઈ રહી છે.

તેમના પુરસ્કાર ગ્રહણ ભાષણમાં મોદીએ જણાવ્યું કે આ પુરસ્કાર તેમના માટે અત્યંત ગર્વ અને સન્માનની બાબત છે. તેમણે કહ્યું હતું  કે હું આ પુરસ્કાર 140 કરોડ ભારતીયોની તરફથી વિનમ્રતાપૂર્વક સ્વીકારું છું. તેમણે આ સન્માન બંને દેશોના યુવાનોની આશાઓ અને તેજસ્વી ભવિષ્યને, ઘાના અને ભારત વચ્ચેના ઐતિહાસિક સંબંધોને તેમ જ તેમની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાઓ અને વૈવિધ્યતાને સમર્પિત કર્યું.

મોદીએ વધુમાં લખ્યું હતું  કે આ સન્માન એક જવાબદારી પણ છે; ભારત-ઘાના મિત્રતાને વધુ મજબૂત બનાવવા માટે સતત કાર્ય કરવું છે. ભારત ઘાનાના લોકો સાથે હંમેશાં ઊભું રહેશે અને એક વિશ્વસનીય મિત્ર અને વિકાસ સહયોગી તરીકે યોગદાન આપતું રહેશે.

વિદેશ મંત્રાલયે પોતાની પ્રેસ જાહેરાતમાં જણાવ્યું હતું કે વડા પ્રધાનને આ સન્માન તેમની ઉત્કૃષ્ટ રાજકીયતા અને વૈશ્વિક સ્તરે અસરકારક નેતૃત્વ બદલ આપવામાં આવ્યું છે.

આ ખાસ સન્માન માટે ઘાનાની જનતા અને સરકારનો આભાર વ્યક્ત કરતાં મોદીએ કહ્યું કે બંને દેશોના લોકતંત્રવાદી મૂલ્યો અને પરંપરાઓ આ ભાગીદારીને સતત પોષણ આપતી રહેશે.તેમણે કહ્યું હતું કે આ પુરસ્કાર બંને દેશો વચ્ચેની મિત્રતાને વધુ ઘનિષ્ઠ બનાવે છે તથા દ્વિપક્ષી સંબંધોને આગળ વધારવાની નવી જવાબદારી મૂકે છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે X પર પોસ્ટ કરીને કહ્યું હતું કે આ ભારત-ઘાનાની ઊંડી અને લાંબા સમયથી ચાલતી ભાગીદારીનું પ્રમાણ છે.