અમદાવાદ : રથયાત્રા પહેલાં પોલીસે યોજી બુલેટ માર્ચ

અમદાવાદમાં 27 જૂનના રથયાત્રા યોજાવાની છે.  ત્યારે ગુજરાત પોલીસ દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેમાં AI કેમેરા સેટેલાઈટ ઈમેજ અને કેટલાક ટેકનિકલ સપોર્ટના આધારે આ ક્રાઉડ મેનેજમેન્ટ કરવું શક્ય બનશે તેવી તૈયારીઓ હાલ ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

આગામી 27 જૂને ભગવાન જગન્નાથની આગામી 148મી વાર્ષિક રથયાત્રાની તૈયારીઓના ભાગરૂપે અમદાવાદ પોલીસે સોમવારે રાત્રે નિર્ધારિત શોભાયાત્રા માર્ગ પર ‘બુલેટ માર્ચ’ યોજીને સુરક્ષા વ્યવસ્થાનું નિરિક્ષણ કર્યું હતું. રથયાત્રામાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા CCTV કેમેરા પર એન્ટી સ્ટેમ્પેડ અલ્ગોરિધમ્સની મદદથી ક્રાઉડ મેનેજમેન્ટની તકનીકનો ઉપયોગ કરશે. જે AI અને ઇમેજ પ્રોસેસિંગના ઉપયોગથી ભીડવાળા વિસ્તારોમાં જોખમભરી પરિસ્થિતિઓને ટાળવામાં મદદ કરે છે.

રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે સોમવારે (9 જૂન)ના રોજ રાત્રે 10:30 વાગ્યે યોજાયેલી ‘બુલેટ માર્ચ’ દરમિયાન અંદાજે 100 જેટલા પોલીસ કર્મચારીઓ બુલેટ મોટરસાયકલ પર રથયાત્રાના મુખ્ય માર્ગો પર પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. બુલેટ માર્ચને જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરથી મહંત લીલીઝંડી આપી હતી. આ પ્રસંગે મંદિરના ટ્રસ્ટીઓ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આગામી દિવસોમાં શાંતિપૂર્ણ અને ઘટનામુક્ત કાર્યક્રમ સુનિશ્ચિત કરવા માટે નાગરિક એજન્સીઓ અને મંદિર વ્યવસ્થાપન સાથે વધુ કવાયત અને સંકલન બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે.