પેરિસઃ ફ્રાન્સની રાજધાની પેરિસ અને અન્ય અનેક શહેરોમાં હિંસક વિરોધ પ્રદર્શનોને લઈને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે પેરિસ ટૂંક સમયમાં મુસ્લિમ શહેર બની જશે. તેમણે આ વિવાદ માટે સીધા જ ઇમિગ્રેશનને જવાબદાર ઠેરવતાં ફ્રાન્સને પોતાની સરહદો બંધ કરવાની સલાહ આપી છે.
વાસ્તવમાં, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપ અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનને સરહદો વધુ કડક કરવાની અપીલ કરી હતી. વોશિંગ્ટનમાં પત્રકારો સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે ફ્રાન્સમાં જે થઈ રહ્યું છે, તેનો સંબંધ ઇમિગ્રેશન સાથે છે, શાળાઓ સાથે નહીં કે અન્ય કોઈ બાબત સાથે નહીં.
રસ્તાઓ પર ભીષણ હિંસા
ઉલ્લેખનીય છે કે ફ્રાન્સમાં સતત વધી રહેલી મોંઘવારીના વિરોધમાં પેરિસ અને અન્ય શહેરોમાં પ્રદર્શનો યોજાયાં હતાં. આ પ્રદર્શનો બાદમાં તાજેતરના વર્ષોમાં ફ્રાન્સમાં જોવા મળેલી સૌથી ભીષણ માર્ગ હિંસામાં ફેરવાઈ ગયાં હતાં. ડોનાલ્ડ ટ્રમ્પે મેક્રોન સાથેની વાતચીતનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે ઘણા સમય પહેલાં મેં તેમને કહ્યું હતું કે તમે ફ્રાન્સમાં મોટી ભૂલ કરી રહ્યા છો. તમે દુનિયાભરના લોકોને અહીં આવવા દો છો. આખી દુનિયા અહીં આવી રહી હતી.
પેરિસ ટૂંક સમયમાં મુસ્લિમ શહેર બની જશે!
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે પેરિસ ખૂબ જ ટૂંક સમયમાં મુસ્લિમ શહેર બનવા જઈ રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું હતું કે જો યુરોપ પોતાની સરહદો બંધ નહીં કરે અને વિરોધ પ્રદર્શનોમાં સામેલ લોકો જેવા ગુનેગારોને બહાર નહીં કાઢે, તો યુરોપનો અંત આવી જશે. ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ગેરકાયદે ઇમિગ્રેશન સામે કાર્યવાહી કરવાને પોતાના મુખ્ય ચૂંટણી મુદ્દાઓમાં સામેલ કર્યો હતો. તેમણે વચન આપ્યું હતું કે તેઓ અમેરિકામાં ગેરકાયદે રીતે રહેતા પ્રવાસીઓ સામે કડક કાર્યવાહી કરશે.
#breakingnewstoday
#FranceProtests
Trump says paris could become a muslim city Near future https://t.co/Qui4YdAAfq— Ganesh singh (@ganeshsai882) October 20, 2026
રસ્તાઓ પર ઊતરી આવ્યા 5.5 લાખથી વધુ લોકો
આંતરરાષ્ટ્રીય મિડિયા અહેવાલો અનુસાર ફ્રાન્સનાં અનેક શહેરોમાં થયેલાં રમખાણોને કારણે લાખો લોકો પ્રભાવિત થયા છે. પ્રાપ્ત માહિતી મુજબ શનિવારે આશરે 5,50,000 લોકોએ વિરોધ પ્રદર્શનોમાં ભાગ લીધો હતો.






