હવે વિનેશ ફોગાટ પર નીતા અંબાણીએ આપી આવી પ્રતિક્રિયા

વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિક 2024 માટે ગેરલાયક ઠેરવવામાં આવી છે. તમને જણાવી દઈએ કે વિનેશ ફોગાટ 50 કિલો રેસલિંગ કેટેગરીમાં ફાઇનલમાં પહોંચી હતી. બુધવારે તે ફાઇનલ મેચ રમવાની હતી. જો કે, વિનેશ ફોગાટનું વજન 50 કિલોથી વધુ હોવાને કારણે તેને અયોગ્ય ઠેરવવામાં આવી હતી. આ ઘટના બાદ આખું ભારત દુઃખી અને આઘાતમાં છે. હવે IOC સભ્ય અને રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીએ આ સમગ્ર ઘટના અને વિનેશ ફોગાટને લઈ નિવેદન આપ્યું છે.

વિનેશ મજબૂત વાપસી કરશે – નીતા અંબાણી

વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિક 2024માંથી અયોગ્ય ઠેરવવાના મુદ્દે નીતા અંબાણીએ કહ્યું કે આજે આખો દેશ વિનેશ ફોગાટનું દર્દ અને દુ:ખ વહેંચી રહ્યો છે. નીતા અંબાણીએ કહ્યું કે વિનેશ એક ચેમ્પિયન ફાઈટર છે અને મને કોઈ શંકા નથી કે તે વધુ મજબૂત રીતે વાપસી કરશે.

વિનેશ આવનારી પેઢીઓ માટે પ્રેરણા છે – નીતા અંબાણી

નીતા અંબાણીએ વધુમાં કહ્યું કે વિનેશે વારંવાર બતાવ્યું છે કે તેની તાકાત માત્ર જીતમાં જ નથી પરંતુ પ્રતિકૂળ સંજોગોને પાર કરવાની ક્ષમતામાં પણ રહેલી છે. નીતા અંબાણીએ કહ્યું કે વિનેશ આવનારી પેઢીઓ માટે પ્રેરણારૂપ છે. ખાસ કરીને યુવાન છોકરીઓ અને તેમના માતાપિતા માટે જે તેમને સપના અને દ્રઢતાની શક્તિ દર્શાવે છે. નીતા અંબાણીએ કહ્યું કે વિનેશ, તારી ઈચ્છાશક્તિ કોઈપણ મેડલ કરતા સારી છે. અમે બધા તમારી સાથે છીએ.

સિલ્વર મેડલ પણ નહીં મળે

વિનેશનું વજન 50 કિલો કરતાં 100 ગ્રામ વધુ હોવાનું જાણવા મળ્યું હતું. વિનેશે 50 કિલો ફ્રી સ્ટાઇલ રેસલિંગની ફાઇનલમાં જગ્યા બનાવી હતી. વિનેશ તેની ફાઇનલ મેચ રમવાની હતી પરંતુ હવે તેને અયોગ્ય ઠેરવવામાં આવી. તેને સિલ્વર મેડલ પણ નહીં મળે.