કોલકાતા બળાત્કાર-હત્યા : દેશભરમાં આજે ડોક્ટરોની હડતાળ

કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં જુનિયર ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાના મામલાએ જોર પકડ્યું છે. ફેડરેશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશને ન્યાય અને સુરક્ષાની માંગણી સાથે આજે હડતાળનું એલાન આપ્યું છે. આ સાથે સંગઠને પાંચ મુદ્દાની માંગણીઓને લઈને અચોક્કસ મુદ્દત સુધી કામકાજનો બહિષ્કાર કરવાની ચીમકી પણ આપી છે. બીજી તરફ જુનિયર ડોક્ટરની હત્યાના વિરોધમાં કોલકાતામાં છેલ્લા ત્રણ દિવસથી હોબાળો ચાલી રહ્યો છે. જુનિયર ડોકટરો સતત વિરોધ કરી રહ્યા છે અને કામનો બહિષ્કાર કરી રહ્યા છે. જેના કારણે રાજ્યનું આરોગ્ય તંત્ર પણ ખરાબ રીતે પ્રભાવિત થયું છે. જોકે પોલીસે આ કેસમાં એક નાગરિક સ્વયંસેવકની ધરપકડ કરી છે, પરંતુ આંદોલનકારીઓ કાર્યવાહી અને સુરક્ષાની માંગ સાથે આંદોલન પર અડગ છે.

ફેડરેશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશનની રવિવારે દિલ્હીની RML હોસ્પિટલમાં બેઠક યોજાઈ હતી. બેઠક બાદ એસોસિએશને કોલકાતામાં લેડી ડોક્ટર પર બળાત્કાર અને હત્યા કેસની સીબીઆઈ તપાસની માંગ કરી હતી. સંગઠન વતી કહેવામાં આવ્યું છે કે સરકારે ડોક્ટરોની સુરક્ષા માટે કડક પગલાં ભરવા જોઈએ.

તેમણે કહ્યું કે ડોક્ટરોને પશ્ચિમ બંગાળ સરકાર પર વિશ્વાસ નથી. કેન્દ્ર સરકાર પાસે હસ્તક્ષેપની માંગ કરવામાં આવી છે. ડોક્ટરોની હડતાળને કારણે દિલ્હી સહિત અન્ય રાજ્યોમાં ઓપીડી, ઓટી અને વોર્ડ સેવાઓને અસર થશે. જેના કારણે સોમવારે દિલ્હી સહિત દેશભરની ઘણી સરકારી હોસ્પિટલોમાં દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. સંસ્થાએ સરકારને સમયસર તેની માંગણીઓ સ્વીકારવા જણાવ્યું છે જેથી દર્દીઓને અસુવિધાનો સામનો કરવો ન પડે.

બીજી તરફ કોલકાતાની આરજી કાર હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટને હટાવ્યા બાદ પણ આંદોલન ઓછું થઈ રહ્યું નથી. કોલકાતામાં પણ ડૉક્ટરોએ રાજ્યભરની હોસ્પિટલોમાં હડતાળનું એલાન આપ્યું હતું.