શાંઘાઈમાં બાળકો માટે ‘યોગ જાગૃતિ સત્ર’નું આયોજન

શાંઘાઈઃ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2025ના પૂર્વે 50 દિવસની ઊલટી ગણતરી અંતર્ગત શાંઘાઈમાં આવેલા ભારતીય દૂતાવાસ દ્વારા ‘બાળકો માટે યોગ જાગૃતિ સત્ર’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું નેતૃત્વ કોન્સલ પ્રતીક માથુરે કર્યું હતું અને તેમાં ભારતીય સંસ્થાનું પ્રતિનિધિત્વ કરતી ઇન્ડિયન એસોસિયેશને શાંઘાઈના સહયોગથી કર્યું હતું.

આ સત્રમાં શાંઘાઈમાં રહેતા ભારતીય સમુદાયનાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો. આ બાળકોએ યોગાસન, પ્રાણાયામ અને ધ્યાન જેવી પ્રવૃત્તિઓ શીખી અને યોગના લાભોની જાણકારી મેળવી હતી.

પ્રતીક માથુરે બાળકોને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે બાલ્યાવસ્થાથી જ યોગને જીવનનો ભાગ બનાવવો ખૂબ જ જરૂરી છે. તેમણે આ વર્ષની થીમ “એક ધરતી, એક આરોગ્ય માટે યોગ”નો ઉલ્લેખ કરતાં યોગને તંદુરસ્ત અને સંતુલિત જીવન માટેનું સાધન ગણાવ્યું હતું.

આ કાર્યક્રમ ભારત સરકારની આંતરરાષ્ટ્રીય પહેલનો એક ભાગ છે, જેનો ઉદ્દેશ વિશ્વમાં યોગનો પ્રસાર કરવો છે. આ કાર્યક્રમના અંતે બાળકોએ દરરોજ યોગ કરવાનો સંકલ્પ કર્યો હતો.