મુંબઈ: ડોમ્બિવલીમાં પ્રેક્ષકોએ માણ્યો મરાઠી-ગુજરાતી નાટ્ય આદાન-પ્રદાન કાર્યક્રમ

મુંબઈ: મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી છેવાડાના ગુજરાતી ભાવક સુધી પહોંચવા હંમેશાં પ્રયત્નશીલ રહે છે. ગત રવિવારે ડોમ્બિવલીના તિલકનગર સ્કૂલના હોલમાં છ ગુજરાતી તથા મરાઠી કલાકારોએ તેમના અભિનયથી પ્રેક્ષકોને નાટ્યઘેલા કર્યા હતાં.

ડોમ્બિવલી ખાતે મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા “મરાઠી – ગુજરાતી, નાટ્ય આદાન – પ્રદાન” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દીપ પ્રજવલનથી કાર્યક્રમની શરૂઆત બાદ મરાઠીમાં નટરાજ વંદન અને ગુજરાતીમાં ગણેશ પ્રાર્થના ભવાઈ સ્વરૂપે રજૂ કરવામાં આવી હતી.

સુજાતા મહેતા

બન્ને ભાષાના નાટકોના આદાન – પ્રદાન બાબત ૐકાર કલા મંડળના દુર્ગારાજ જોશી અને નાટ્યકાર સતીશ વ્યાસે પ્રાસ્તાવીક રજૂ કર્યું હતું. ત્યાર બાદ બન્ને ભાષાનાં અનુવાદીત નાટકોનાં દ્રશ્યો પ્રેક્ષકો સમક્ષ રજૂ થયાં હતાં.’નટસમ્રાટ’નો અંશ પ્રવીણકુમાર વ્યાસે તથા ‘શાંતતા કોર્ટ ચાલુ આહે’નો નાટ્યઅંશ નિખિલા ઇનામદારે રજૂ કર્યો હતો. ‘અભિનય સમ્રાટ’ નો અંશ સતીશ વ્યાસે ‘રાયગડાલા જેવ્હા જાગ યેતે’નો અંશ રમેશ ભિડેએ તથા ‘ચિત્કાર’નો નાટ્યઅંશ સુજાતા મહેતાએ રજૂ કર્યો હતો.

પ્રવીણકુમાર વ્યાસ તથા નિખિલા ઇનામદાર

‘અધાંતર’ નો અંશ નિખિલા ઇનામદારે,’સંતુ રંગીલી’નો સુજાતા મહેતાએ સ્ટેજ પર રજૂ કર્યો હતો. જ્યારે ‘તી ફુલરાણી ‘નો અંશ ડૉ. મોનિકા ઠક્કરે રજૂ કર્યો હતો.કલ્યાણના નાટ્યકર્મી અશ્વિન દેરાસરી અને ડૉક્ટર સૂચકજી તથા મરાઠી નાટ્યકારોનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની પરિકલ્પના અકાદમીના સદસ્ય નિરંજન પંડયાની હતી.આપણી ગૌરવશાળી ભૂતકાળ ધરાવતી રંગભૂમિના આદાન પ્રદાનને રજૂ કરતા આવા કાર્યક્રમ અવારનવાર થવા જોઈએ એવી લાગણી શ્રોતાઓએ વ્યક્ત કરી હતી.