ગાંધીનગર: સમાન સિવિલ કોડ સંદર્ભે UCC સમિતિ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓની મુલાકાત લઈ પ્રતિભાવો મેળવવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે આજે સર્કિટ હાઉસ, ગાંધીનગર ખાતે સમાન સિવિલ કોડ સમિતિની ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર સાથે બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં સમિતિના અઘ્યક્ષ ન્યાયમૂર્તિ રંજના દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્યમાં સમાન સિવિલ કોડના અમલીકરણ પહેલા નાગરિકોના અભિપ્રાયો જાણવા ખુબ જ જરૂરી છે. સમાનતા, મહિલાઓ અને બાળકોને ધ્યાનમાં રાખીને UCCનો મુસદ્દો તૈયાર કરાશે. નાગરિકોના અભિપ્રાયોના અભ્યાસ બાદ સમિતિ બને એટલી ત્વરાએ સરકાર સમક્ષ અહેવાલ રજૂ કરશે.
આ બેઠકમાં જિલ્લા વહીવટી તંત્ર સહિત ગાંધીનગરવાસીઓએ લગ્ન, છૂટાછેડા, ભરણપોષણ, મિલકતના અધિકારો, ધર્મ આધારિત કૌટુંબિક કાયદાઓ, લીવ-ઈન રિલેશનશિપમાં મહિલાઓના અધિકારો, નાણાકીય સહાય તેમજ વારસાના અધિકારોનું રક્ષણ જેવા વિષયો પર UCC સમિતિ સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા હતાં.
આ બેઠકમાં ગાંધીનગરના મેયર મીરાંબેન પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શિલ્પાબેન પટેલ, ધારાસભ્ય રીટાબેન પટેલ અને જે. એસ. પટેલ, કલેક્ટર મેહુલ દવે, જિલ્લા વિકાસ અધિકારી બી. જે. પટેલ, ગુજરાત સાહિત્ય અકાદમીના પ્રમુખ ભાગ્યેશ જહાં, ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીના ડાયરેક્ટર એસ. શાન્તાકુમાર, ચિલ્ડ્રન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ટી. એસ. જોશી સહિત નિવૃત્ત અધિકારીઓ, જિલ્લાના તબીબો, વકીલો, વેલનેસ કોચ, સામાજિક કાર્યકરોએ ઉપસ્થિત રહી UCC અંગે પોતાના સૂચનો-મંતવ્યો રજૂ કર્યા હતાં.
