PM મોદી સામે અપશબ્દોના મામલામાં એકની ધરપકડ

દરભંગા: કોંગ્રેસની સભામાં પીએમ મોદી સામે ગાળો આપવામાં આવેલા મામલામાં દરભંગા પોલીસે રિઝવી ઉર્ફે રાજાની ધરપકડ કરી છે. દરભંગાના અતરબેલમાં સભામાં  મંચ પરથી વડા પ્રધાન મોદી સામે અપશબ્દો બોલાયા હતા. આ કાર્યક્રમ યુથ કોંગ્રેસ સાથે જોડાયેલા મોહમ્મદ નૌશાદે આયોજિત કર્યો હતો. આ વિવાદ ઊભો થયા બાદ નૌશાદે માફી માગી હતી. તેનું કહેવું હતું કે કોઈ બહારની વ્યક્તિએ મંચ પરથી PM માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો.

ભાજપ દ્વારા ફરિયાદ

ભાજપના એક પ્રતિનિધિમંડળે દરભંગાના કોઠવાળી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સોશિયલ મિડિયામાં વાયરલ થયેલો વિડિયો કથિત રીતે દરભંગા જિલ્લાના છે, જ્યાંથી બુધવારે સવારે યાત્રા શરૂ થઈ હતી, જ્યારે રાહુલ ગાંધી, તેમની બહેન અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અને RJDના નેતા તેજસ્વી યાદવે મોટરસાઇકલ પર મુજફ્ફરપુર માટે રવાના થયા હતા.

નડ્ડાનો રાહુલ, તેજસ્વી પર પ્રહાર

ભાજપાધ્યક્ષ જે.પી. નડ્ડાએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને RJD નેતા તેજસ્વી યાદવ પર નિશાન સાધ્યું. નડ્ડાએ એક વિડિયો સંદેશ જાહેર કરીને ગાંધી અને તેજસ્વી યાદવને બે બગડેલા રાજકુમાર કહીને સંબોધ્યા, જેમણે બિહાર અને તેની સંસ્કૃતિને બદનામ કરી છે. તેમણે કહ્યું હતું કે બન્ને નેતાઓએ દેશ પાસે માફી માગવી જોઈએ. સોશિયલ મિડિયામાં એક વિડિયો ક્લિપ ફરી રહી છે જેમાં કેટલાક અજાણ્યા લોકોને યાત્રા દરમિયાન મંચ પરથી મોદી સામે અપશબ્દો બોલતા સાંભળી શકાય છે.

આ મામલે ડેપ્યુટી CM સમ્રાટ ચૌધરીએ જણાવ્યું હતું કે ભીડનું વર્તન RJDની ગુંડાગીરી જેવું હતું. વિડિયો ક્લિપ એક નાનકડા મંચની છે, જ્યાં કોઈ મુખ્ય નેતા હાજર નહોતો, પરંતુ એક વ્યક્તિ માઇક પર અપશબ્દો બોલતી હતી, જેને સાંભળી શકાય છે પરંતુ જોઈ શકાતી નથી અને ત્યાં ઊભેલા લોકોએ તેને ફટકાર્યો હતો.