ચંદ્રયાન 3 ના લોન્ચ પર, જાણો અવકાશ પર બનેલી આ શ્રેષ્ઠ ફિલ્મો વિશે..

ચંદ્રયાન- 3, 15 જુલાઈના રોજ સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું છે. સમગ્ર રાષ્ટ્રને ISROના અવકાશ વૈજ્ઞાનિકો અને એસ્ટ્રો-ટેકનિશિયનો પર ગર્વ છે, જેમણે ભારતીય અવકાશ સંશોધનના આ સ્વપ્નને શક્ય બનાવ્યું. આવી ગર્વની પળોને પડદા પર બતાવવામાં ભારતીય ફિલ્મો પણ પાછળ નથી. આવો એક નજર કરીએ એવી કેટલીક અનોખી ફિલ્મો પર જેણે ઇતિહાસને સાચવી રાખ્યો છે.

કલાઈ અરસી‘ (1963)

ભારતની પ્રથમ અવકાશ ફિલ્મનું નિર્દેશન એ. કાસીલિંગમે કર્યું હતું.  જેમાં એમ.જી. રામચંદ્રન અને પી. ભાનુમતિ રામકૃષ્ણએ અભિનય કર્યો હતો. ફિલ્મ સફળ હોવા છતાં,  અવકાશનું અન્વેષણ કરવા માટે પ્રેરણારૂપી ન બની શકી. હકીકત એ છે કે ભારતના લોકો એ સમયે વૈજ્ઞાનિક સિદ્ધિઓથી અજાણ હતા. જેના કારણે નિર્માતાઓએ એક ફિલ્મ માટે વધારે પૈસા ન ચૂકવવાનું નક્કી કર્યું હતું.

ચાંદ પર ચઢાઈ(1967)

1967માં ટી.પી. સુંદરમ અને દારા સિંહે સ્પેસ ફિલ્મ બનાવવાનો પ્રયાસ કર્યો. સુંદરમે ફિલ્મનું નિર્દેશન કર્યું હતું. ફિલ્મ વિશે ભાગ્યે જ કોઈ જાણતું હશે,  કારણ કે એ સમયે ભારતીય ફિલ્મ જોનારાઓ અવકાશમાં વૈજ્ઞાનિક સફળતાઓથી સંપૂર્ણપણે વાકેફ ન હતા. આજે પણ ફિલ્મની પ્રિન્ટ ઓનલાઈન અથવા ફિલ્મ મ્યુઝિયમમાં શોધવી ખૂબ મુશ્કેલ હશે.

કોઈ મિલ ગયા (2003)

રાકેશ રોશન દ્વારા નિર્મિત આ ફિલ્મમાં રિતિક રોશન, પ્રીતિ ઝિન્ટા, રેખા, પ્રેમ ચોપરા, રજત બેદી અને જોની લીવર છે. આ ફિલ્મ એક યુવાનની સ્ટોરી છે જે એના સ્વર્ગસ્થ પિતાનું જૂનું મશીન શોધે છે. આ કમ્પ્યુટર અનેક ગ્રહો પર રહેતા એલિયન્સ સાથે વાત કરવા માટે બનાવવામાં આવ્યું હતું. આ ફિલ્મ ટિકિટ બારી પર જબરદસ્ત બ્લોકબસ્ટર સાબિત થઈ હતી.

સ્પેસ 9000 KMPH’ (2018)

તેલુગુ સિનેમાએ ક્યારેય અવકાશ પર ફિલ્મ બનાવવાનો પ્રયાસ કર્યો નથી. પ્રથમ તેલુગુ ફિલ્મ ‘અંતરિક્ષમ’ વિષયની દૃષ્ટિએ થોડી ઘણી જુદી લાગી. પરંતુ આ ફિલ્મ સ્પેસ ડ્રામાને તેલુગુ સિનેમામાં સરળતાથી અપનાવી. ફિલ્મને સાધારણ રીતે સારો પ્રતિસાદ મળ્યો હતો. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી નથી.

ટિક ટિક ટિક‘ (2018)

‘ટિક ટિક ટિક’ એ એવી સ્પેસ મૂવીઝમાંથી એક છે જે બોક્સ ઓફિસ પર  ખરાબ રીતે નિષ્ફળ ગઈ. ફિલ્મ દરેક વસ્તુને ઓવરડોઝ કરે છે અને સ્પેસ ફ્લાઈટને હાસ્યાસ્પદ બનાવે છે. તેમ છતાં, ફિલ્મ બનાવવા માટે ટીમના પ્રયત્નોને શ્રેય આપવો જ જોઇએ.

મિશન મંગલ‘ (2019)

જગન શક્તિ દ્વારા દિગ્દર્શિત, આ ફિલ્મમાં અક્ષય કુમાર, વિદ્યા બાલન, તાપસી પન્નુ, સોનાક્ષી સિંહા, કીર્તિ કુલ્હારી અને શરમન જોશી જેવી સ્ટાર-કાસ્ટ છે. આ ફિલ્મ ભારતીય વૈજ્ઞાનિકો અને સંશોધકોના જીવન પર આધારિત છે જેઓ ભારતના સૌથી મોટા અવકાશ મિશન, માર્સ ઓર્બિટર મિશનનો ભાગ હતા. જે ફિલ્મી પરદે સુપરહીટ સાબિત થઈ હતી.

રોકેટ્રી: ધ નામ્બી ઈફેક્ટ‘ (2022)

આર. માધવને આ ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે, અને તે નામ્બી નારાયણની ભૂમિકા પણ ભજવે છે. આ ફિલ્મ ભારતીય એરોસ્પેસ એન્જિનિયર નામ્બી નારાયણનની સત્ય ઘટના પર આધારિત છે જે ભારતના અવકાશ સંશોધન કાર્યક્રમને નવી ઊંચાઈઓ પર લઈ જાય છે. ફિલ્મમાં નામ્બી નારાયણ અને એમની ટીમ પડકારોનો સામનો કેવી રીતે કરે છે એ દર્શાવવામાં આવ્યું છે.

 અ ટ્રિપ ટુ ધ મૂન

આ ફિલ્મ ભારતીય તો નથી પરંતુ એનો ઉલ્લેખ કરવો અનિવાર્ય છે. જ્યારે વાત અંતરિક્ષની ફિલ્મોની થઈ રહી હોય તો એ લિસ્ટમાં પ્રથમ નંબર આ ફ્રેન્ચ ફિલ્મનો આવે. 1902માં રિલીઝ થયેલી ફિલ્મ અ ટ્રિપ ટુ ધ મૂનનું નિર્દેશન જ્યોર્જ મેલિસે કર્યું હતું. આ બ્લેક એન્ડ વ્હાઇટ યુગની પ્રથમ રંગીન ફિલ્મ હતી. જે જુલ્સ વર્નની 1865ની નવલકથા ફ્રોમ ધ અર્થ ટુ ધ મૂન અને તેની 1870ની સિક્વલ અરાઉન્ડ ધ મૂન પરથી પ્રેરિત હતી.  ફિલ્મ અવકાશયાત્રીઓના એક જૂથની સ્ટોરી દર્શાવવામાં આવી છે.  જે તોપથી ચાલતા કેપ્સ્યુલમાં ચંદ્ર પર પ્રવાસ કરે છે અને ચંદ્રની સપાટીનું અન્વેષણ કરે છે.