નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરે જાહેરાત કરી છે કે તે આ વર્ષે સપ્ટેમ્બરમાં અમેરિકાના ન્યુ યોર્કમાં ‘નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર ઇન્ડિયા વીકેન્ડ’નું પ્રથમ સંસ્કરણ યોજશે. આ કાર્યક્રમ 12 થી 14 સપ્ટેમ્બર, 2025 દરમિયાન ડેવિડ એચ. કોચ થિયેટરમાં યોજાશે.
આપણે ભારત વિશે દુનિયાને કંઈક બતાવવું પડશે: નીતા અંબાણી
આ અંગે બોલતા, NMACC ના સ્થાપક અને અધ્યક્ષા નીતા અંબાણીએ જણાવ્યું હતું કે ભારતમાં વિશ્વની શ્રેષ્ઠતા દર્શાવવી અને ભારતની શ્રેષ્ઠતા વિશ્વ સમક્ષ લાવવાનું તેમનું હંમેશા લક્ષ્ય રહ્યું છે. અમે નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર ઇન્ડિયા વીકેન્ડને પહેલી વાર ન્યૂ યોર્ક શહેરમાં લાવવા માટે ઉત્સાહિત છીએ! તે ભારતના સાંસ્કૃતિક વારસા – આપણી કલા, હસ્તકલા, સંગીત, નૃત્ય, ફેશન અને ખોરાકના વૈશ્વિક ઉજવણી તરીકે રચાયેલ છે.
આ ખાસ શો સાથે કાર્યક્રમની શરૂઆત થશે
નીતા અંબાણીએ જણાવ્યું હતું કે આ મહોત્સવની શરૂઆત ભારતના સૌથી ભવ્ય નાટ્ય નિર્માણ ‘ધ ગ્રેટ ઇન્ડિયન મ્યુઝિકલ: સિવિલાઇઝેશન ટુ નેશન’ના યુએસ પ્રીમિયરથી થશે. જેનું દિગ્દર્શન ફિરોઝ અબ્બાસ ખાન દ્વારા કરવામાં આવ્યું છે. આ શોમાં 5000 ઈ.સ. પૂર્વેથી 1947માં સ્વતંત્રતા સુધીની ભારતની સફર દર્શાવવામાં આવી છે. નૃત્ય, કલા, ફેશન અને સંગીતનું અદ્ભુત પ્રદર્શન હશે.
ઉદ્ઘાટન સમારોહમાં ‘સ્વદેશ ફેશન શો’ યોજાશે
કાર્યક્રમનો ઉદ્ઘાટન સમારોહ 12 સપ્ટેમ્બરના રોજ યોજાશે. જેમાં ‘સ્વદેશ ફેશન શો’ હશે. તેનું સંચાલન પ્રખ્યાત ડિઝાઇનર મનીષ મલ્હોત્રા કરશે. તે ભારતના પ્રખ્યાત પરંપરાગત વણકર અને કુશળ કારીગરોનું પ્રદર્શન કરશે. ત્યારબાદ સાંજે પ્રાચીન ભારતથી લઈને આધુનિક ભારત સુધીની વાનગીઓ અને સ્વાદોની ખાસ રજૂઆત થશે. આ મિશેલિન-સ્ટાર શેફ વિકાસ ખન્ના દ્વારા કરવામાં આવશે.
આ બોલિવૂડ ગાયકો પોતાનો જાદુ બતાવશે
બોલીવુડ ગાયકો શંકર મહાદેવન, શ્રેયા ઘોષાલ અને શાસ્ત્રીય સંગીતકાર ઋષભ શર્માના સંગીત સમારોહ ઉપરાંત, આ કાર્યક્રમમાં લિંકન સેન્ટર ખાતે ધ ગ્રેટ ઇન્ડિયન મ્યુઝિકલ: સિવિલાઇઝેશન ટુ નેશનના પાંચ પ્રદર્શન પણ રજૂ કરવામાં આવશે.
