દોહા ડાયમંડ લીગમાં નીરજ ચોપરાએ રચ્યો ઇતિહાસ

દોહાઃ ભારતીય એથ્લેટિક્સના સ્ટાર નીરજ ચોપરાએ ફરી એક વખત ઇતિહાસ રચ્યો છે. ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ જીત્યા બાદ હવે નીરજ ચોપરાએ ભાલા ફેંકમાં 90 મીટરનો આંકડો રેકોર્ડ નોંધાવી નવી સિદ્ધિ હાંસલ કરી છે. આ સિદ્ધિ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નીરજ ચોપરાને અભિનંદન પાઠવ્યા છે અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા આપી છે.

પીએમ મોદીએ X પર લખ્યું  હતું કે શાનદાર સિદ્ધિ! દોહા ડાયમંડ લીગ 2025માં 90 મીટરનું લક્ષ્ય પાર કરવા અને પોતાનું શ્રેષ્ઠ વ્યક્તિગત થ્રો નોંધાવવા બદલ નીરજ ચોપરાને અભિનંદન. આ તેમની અવિરત મહેનત, અનુશાસન અને ઝનૂનનું પરિણામ છે. ભારતને તેમના પર ગર્વ છે.

નીરજ ચોપરાએ લાંબા સમયની રાહ જોયા પછી 90 મીટરનું ઐતિહાસિક અંતરના લક્ષ્ય પાર કરતાં 90.23 મીટરનો શાનદાર થ્રો કર્યું. જોકે તેમ છતાં દોહામાં યોજાયેલી ડાયમંડ લીગ 2025ની સ્પર્ધામાં તેઓ જર્મનીના જુલિયન વેબરથી પાછળ રહી ગયા હતા. વેબરે છેલ્લા પ્રયાસમાં 91.06 મીટરનો શાનદાર થ્રો ફેંકીને પ્રથમ સ્થાન મેળવ્યું. રસપ્રદ વાત એ છે કે જુલિયન વેબરે પણ પહેલી વાર 90 મીટરથી વધુનો થ્રો ફેંકીને દુનિયાના 26મા ખેલાડી તરીકે આ સિદ્ધિ હાંસલ કરી છે. જ્યારે ગ્રેનેડાના બે વારના વર્લ્ડ ચેમ્પિયન અને પેરિસ ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા એન્ડરસન પીટર્સે 84.65 મીટરના થ્રો સાથે તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

આ મુકાબલા પછી નીરજ ચોપરાએ પોતાની ખુશી વ્યક્ત કરતાં કહ્યું હતું કે 90 મીટર પાર કરવું તેમના માટે મોટી સિદ્ધિ છે. તેમણે શરૂઆત 88.44 મીટરના થ્રોથી કરી, જ્યારે બીજો પ્રયત્ન ફાઉલ થયો હતો. ત્રીજા પ્રયાસમાં તેમણે 90.23 મીટરનું લક્ષ્ય હાંસલ કરીને સૌને રોમાંચિત કરી દીધા હતા. ત્યાર બાદ તેમના થ્રો ક્રમશઃ 80.56 મીટર, ફાઉલ અને 88.20 મીટર રહ્યા. ભારતીય રમતપ્રેમીઓ માટે આ ક્ષણ અત્યંત ગૌરવભર્યું રહી છે, કારણ કે નીરજ ચોપરાએ પોતાની આકરી મહેનતના દમ પર આખરે 90 મીટરના અંતરને હાંસલ કર્યું હતું.