બ્રિટનમાં ભારતીય મૂળના વિદ્યાર્થી બિલાલ કાઝીને ૩૦ વર્ષની જેલની સજા

લંડન: બ્રિટનમાં યુનિવર્સિટી ઓફ ચેસ્ટરમાં અભ્યાસ કરતા ૨૭ વર્ષીય ભારતીય મૂળના વિદ્યાર્થી બિલાલ કાઝી (Bilal Kazi)ને અદાલતે ૩૦ વર્ષની જેલની સજા ફટકારી છે. તેના પર સોશિયલ મીડિયા અને ગેમિંગ પ્લેટફોર્મ્સ દ્વારા સગીર વયની છોકરીઓને ફસાવીને તેમની સાથે યૌન શોષણ અને બ્લેકમેઇલ કરવાનો ગંભીર આરોપ હતો.

અદાલતમાં સુનાવણી દરમિયાન ખુલાસો થયો હતો કે બિલાલ કાઝી સ્નેપચેટ (Snapchat), વિન્ઝ અને રોબ્લોક્સ જેવા પ્લેટફોર્મ્સ પર ખોટી ઓળખ આપીને સગીર છોકરીઓ સાથે સંપર્ક કરતો હતો. તે પોતાને ટીનેજર (કિશોર) તરીકે દર્શાવીને ૧૦ થી ૧૭ વર્ષની વયની છોકરીઓને વિશ્વાસમાં લેતો હતો. ત્યારબાદ તે છોકરીઓને પ્રાઇવેટ અને અશ્લીલ તસવીરો મોકલવા માટે મજબૂર કરતો હતો. જો કોઈ છોકરી ઇનકાર કરે, તો તે તેમની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની કે મિત્રોને મોકલવાની ધમકી આપીને બ્લેકમેઇલ કરતો હતો.

ચેસ્ટર ક્રાઉન કોર્ટે આ કેસમાં કડક રૂખ અપનાવતા તેને ૩૭ જેટલા ગુનાઓમાં દોષિત ઠેરવ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે તેણે આ પ્રકારે અંદાજે ૭૦ જેટલી સગીર છોકરીઓને પોતાની જાળમાં ફસાવી હતી. આ કેસમાં પીડિતો પર પડેલી માનસિક અસરને ધ્યાનમાં રાખીને ન્યાયાધીશે તેને અત્યંત ખતરનાક અપરાધી ગણાવ્યો છે અને ૩૦ વર્ષની જેલની સજા સાથે આજીવન સેક્સ Offenders રજિસ્ટરમાં નામ નોંધવાનો આદેશ આપ્યો છે