શું ગુમનામી બાબા જ હતાં સુભાષચંદ્ર બોઝ? યોગી સરકાર રીપોર્ટ રજૂ…

લખનૌઃ ઉત્તરપ્રદેશની યોગી સરકાર બુધવારના રોજ વિધાનસભામાં ગુમનામી બાબા પર જસ્ટિસ વિષ્ણુ સહાયનો રિપોર્ટ રજૂ કરશે. આ પહેલા તપાસ રિપોર્ટને કેબિનેટની બેઠકમાં રાખવામાં આવ્યો હતો. ફૈઝાબાદમાં લાંબા સમય સુધી સુભાષચંદ્ર બોઝના હમશકલ કહેવાતા ગુમનામી બાબાનું મૃત્યું 1985 માં થયું હતું. લોકો આમને સુભાષચંદ્ર બોઝ માને છે.

પ્રાપ્ત વિગતો અનુસાર વિષ્ણુ સહાયના રિપોર્ટમાં એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે ગુમનામી બાબા કોણ હતા અને શું સાચે જ તેઓ સુભાષ ચંદ્ર બોઝ હતા?  જો કે આ રિપોર્ટમાં ઘણી એવી વિશેષતાએ જણાવવામાં આવી છે, જે અનુસાર ગુમનામી બાબા અને સુભાષચંદ્ર બોઝમાં ઘણી સમાનતાઓ જોવા મળી છે. સુભાષ ચંદ્ર બોઝ પણ ગુમનામી બાબાની જેમ બંગાળી હતા અને અંગ્રેજી, હિંદી અને બંગાળી કડકડાટ બોલતા અને લખતા હતા. ગુમનામી બાબાને પણ રાજનીતિ, યુદ્ધ અને સમસામયિક વિષયો મામલે ઉંડુ જ્ઞાન હતું. તેઓ સંગીત પ્રેમી હતા અને પૂજા-પાઠ અને ધ્યાનમાં પોતાનો સમય પસાર કરતા હતા.

સુત્રો અનુસાર સહાય આયોગે પોતાના રિપોર્ટમાં લખ્યું છે કે ગુમનામી બાબા સુભાષચંદ્ર બોઝ હતા કે નહી તેની પુષ્ટી થઈ શકી નથી, કારણ કે તેમના મૃત્યુના 31 વર્ષ બાદ તેમના મામલે રિસર્ચ શરુ થયું. અખિલેશ યાદવ શાસન દરમિયાન ગુમનામી બાબાની ઓળખને લઈને જસ્ટિસ વિષ્ણુ સહાય આયોગનું ગઠન થયું હતું, જેનો રિપોર્ટ હવે સાર્વજનિક થશે.

આપને જણાવી દઈએ કે સ્વતંત્રતા સેનાની સુભાષચંદ્ર બોઝના જીવનના અંતિમ દિવસો રહસ્યના પડછાયામાં રહ્યા છે. તેમના મૃત્યુને લઈને ઘણા પ્રકારની થીયરી પ્રચલિત છે. આશા છે કે વિષ્ણુ સહાયનો રિપોર્ટ આવ્યા બાદ આ રહસ્ય પરથી પડદો ઉઠી શકે છે.