આકાશમાંથી પડ્યો ગરમાગરમ રહસ્યમયી પથ્થર, બિહારની ઘટના…

પટણાઃ બિહારના મધુબની જિલ્લાના લૌકહી પ્રખંડના ગામના એક ખેતરમાં આકાશમાંથી ગજબ પ્રકારનો પથ્થર પડ્યો હોવાનો મામલો સામે આવ્યો છે. આકાશમાંથી પત્થર પડ્યા બાદ આ વિસ્તારમાં પથ્થરને લઈને કુતુહલ ફેલાયું છે. આ પથ્થરનું વજન આશરે 15 કિલો જેટલું છે. અત્યારે જિલ્લા પ્રશાસને આ પથ્થરને જપ્ત કરી લીધો છે. જિલ્લા અધિકારી શીર્ષત કપિલ અશોકે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે આને ફિઝિકલ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવશે.પ્રાપ્ત વિગતો અનુસાર કોરિયાહી ગામના એક ખેતરમાં કેટલાક ખેડૂતો કામ કરી રહ્યાં હતાં આ જ દરમિયાન તેજ અવાજ સાથે આકાશમાંથી આ પથ્થર ખેતરમાં આવીને પડ્યો. જ્યાં આ પથ્થર પડ્યો ત્યાં આશરે 4 ફૂટ જેટલો ઉંડો ખાડો પડી ગયો. જે સમયે આ ઘટના ઘટી ત્યારે ઝરમર વરસાદ વરસી રહ્યો હતો. જિલ્લા અધિકારીએ જણાવ્યું કે જ્યારે આ પથ્થર પડ્યો ત્યારે તે ગરમ હતો.પથ્થર ખેતરમાં રહેલા પાણીમાં પડ્યો ત્યારે તેમાંથી બાષ્પ નિકળવા લાગી હતી. આ પથ્થરમાં લોહ અયસ્ક પણ છે કારણ કે જ્યારે આને ચૂંબક અડાડવામાં આવે છે ત્યારે ચુંબક આ પથ્થરમાં ચોંટી જાય છે. જ્યારે આ સમાચાર ગામમાં ફેલાઈ તો આ અજીબોગરીબ પથ્થરને જોવા માટે આજુબાજુના વિસ્તારમાંથી લોકો ત્યાં પહોંચી ગયાં. બાદમાં લૌકહી પોલીસને પણ જાણ કરવામાં આવી.પોલીસ સ્ટેશનના અધિકારીએ પથ્થરને જપ્ત કરીને જીલ્લા પ્રશાસનને સોંપી દીધો હતો. જિલ્લા અધિકારી શીર્ષત કપિલ અશોકે જણાવ્યું કે આ પથ્થરનું વજન આશરે 15 કિલો છે અને આને તાત્કાલિક જિલ્લા કોષાગારમાં સુરક્ષિત મૂકી દેવામાં આવ્યો છે. વિભાગીય નિર્દેશ બાદ આને ફિઝિકલ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવશે.