નવી દિલ્હીઃ નાણાકીય કટોકટીથી ઘેરાયેલી યસ બેન્કને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા કેવી રીતે બચાવશે એની યોજના જણાવી છે. એસબીઆઇ યસ બેન્કના 40 ટકા શેરો ખરીદી લેશે. એની સાથે બેન્ક રૂ. 2,450 કરોડનું મૂડીરોકાણ પણ યસ બેન્કમાં કરશે. એસબીઆઇના ચેરમેન રજનીશ કુમારે જણાવ્યું હતું કે હાલ ખાતાધારકોએ તેમના રૂપિયા બાબતે ચિંતા કરવાની જરાય જરૂર નથી.
અકાઉન્ટહોલ્ડર્સના રૂપિયા સુરક્ષિત
એસબીઓઆઇના ચેરમેને કહ્યું હતું કે યસ બેન્કમાં હાલ રૂ. 50,000ની ઉપાડમર્યાદા નક્કી કરવાથી તેના ખાતાધારકોને મુશ્કેલીઓ જરૂર ઊભી થઈ છે, પણ તેમણે ડરવાની જરાય જરૂર નથી. નાણાપ્રધાન નિર્મલા સીતારામન પણ ખાતાધારકોને હૈયાધારણ આપી ચૂકી છે કે તેમના પૈસા સુરક્ષિત છે. ચેરમેને પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે યસ બેન્કને હાલ 20,000 કરોડની જરૂર છે. બેન્ક હાલમાં રૂ. 2,450 કરોડ ઠાલવશે.
તેમણે કહ્યું હતું કે લોકો એસબીઆઇમાં રોકાણ કરવા ઇચ્છતા હોય તો તેમના માટે આ એક મોટી તક છે. તેમણે યસ બેન્ક માટે મૂડીરોકાણની યોજના વિસ્તારપૂર્વક જણાવતાં કહ્યું હતું કે અમે નવ માર્ચે ફરી એક વાર ઝર્વ બેન્કની પાસે જઈશું. એસબીઆઇ મુંબઈ સ્ટોક એક્સચેન્જને જણાવી દીધું છે કે એસબીઆઇ બોર્ડે યસ બેન્કમાં રોકાણ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે.