સરકારની સામે આરપાર મૂડમાં રેસલર્સે રાજકીય પક્ષોનો સાથ માગ્યો

નવી દિલ્હીઃ રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના વડા બ્રિજભૂષણ શરણ સિંહના વિરોધમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા ઓલિમ્પિક મેડલિસ્ટ બજરંગ પુનિયાએ કહ્યું હતું કે બધી પાર્ટીઓનું સ્વાગત છે. તેમણે કહ્યું હતું કે અમે કોઈ એક પાર્ટીથી નથી જોડાયા, પણ હવે આ વખતે સૌનું સ્વાગત છે.  સરકાર સામેની આરપારની લડાઈમાં રેસલર્સોએ રાજકીય પક્ષોનો પણ સાથ માગ્યો છે.  

તેમણે કહ્યું હતું કે ભાજપ, કોંગ્રેસ અને આપ-સૌનું સ્વાગત છે, કેમ કે જ્યારે અમે મેડલ જીતીએ છીએ તો કોઈ પાર્ટીનો ઝંડો નથી લગાવતા, અમે તિરંગો લહેરાવીએ છીએ. જ્યારે અમે મેડલ જીતીએ છીએ તો અમને અભિનંદન આપવા ના તો કોઈ એક પાર્ટી અમને અભિનંદન આપે છે, કેમ કે અમે કોઈ પાર્ટીથી જોડાયેલા નથી. બધા દેશવાસીઓનું સ્વાગત છે, કેમ કે અમે અમારી બહેન-પુત્રીઓ  માટે નથી લડી રહ્યા, ના તો અમે કોઈ સામે લડી રહ્યા છીએ.

વિશ્વ ચેમ્પિયનશિપની મેડલવિજેતા વિનેશે સવાલ કર્યો હતો કે સમિતિ રિપોર્ટ સુપરત કરવામાં કેટલો સમય લગાવશે. પહેલાં જ ત્રણ મહિના થઈ ચૂક્યા છે અને અમે હવે તેમની વાત સાંભળવાની રાહ જોઈ રહ્યા છે. શું રિપોર્ટ ત્યારે આવશે, જ્યારે ફરિયાદ નોંધાવનારી યુવતીઓનાં મોત થઈ જાય? અમે સરકારને આ મામલે નિષ્કર્ષ જારી કરવા માટે કહી-કહીને થાકી ગયા છીએ. અમે કોનોટ પ્લેસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે અને અમે ઇચ્છીએ છીએ બ્રિજભૂષણ શરણ સિંહની સામે પ્રાથમિક ફરિયાદ દાખલ થાય.  તેમણે કહ્યું હતું કે અમારે WFIની ચૂંટણીપ્રક્રિયાથી કોઈ લેવાદેવા નથી. અમે અમારી કેરિયરને લઈને ચિંતિત છીએ.