નાગપુરઃ વિશ્વના સૌથી ટૂંકા કદનાં મહિલા જ્યોતિ આમગેએ કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટે લોકોને લોકડાઉનના નિયમોનું કડક રીતે પાલન કરીને પોતપોતાના ઘરમાં જ રહેવાની અપીલ કરી છે.
કોરોના ચેપ રોકવા અને લોકડાઉન વિશે જનજાગૃતિ ફેલાવવામાં મદદરૂપ થવાની નાગપુર પોલીસે કરેલી વિનંતીને માન આપીને જ્યોતિ આમગેએ નાગપુરવાસીઓ તથા સમગ્ર દેશનાં લોકોને લોકડાઉન દરમિયાન ઘરની બહાર ન નીકળવા અને ઘરમાં જ રહેવાની વિનંતી કરી છે.
જ્યોતિ નાગપુરનાં રહેવાસી છે. એમણે ગઈ કાલે શહેરમાં ટેલિફોન એક્સચેન્જ ચોક ખાતે જઈને પોલીસની વેન પર ચડીને લાઉડસ્પીકર દ્વારા રહેવાસીઓને અપીલ કરી હતી. એમણે પણ મોઢા પર માસ્ક પહેર્યો હતો.
પોતાનાં સંબોધનમાં એમણે લોકોને વિનંતી કરી હતી કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઘોષિત કરેલા લોકડાઉનને તેઓ ટેકો આપે.
જ્યોતિ આમગેએ કોરોના વાઈરસનો ફેલાવો રોકવામાં તેમજ લોકડાઉન નિયંત્રણોનો અમલ કરાવવામાં દિવસ-રાત પરિશ્રમ કરી રહેલા તબીબી કર્મચારીઓ તેમજ પોલીસ જવાનોની કામગીરીની પણ પ્રશંસા કરી હતી.
જ્યોતિ આમગેની ઊંચાઈ માત્ર 62.8 સેન્ટીમીટર છે. ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સ અનુસાર, જ્યોતિ દુનિયાનાં સૌથી ટૂંકા કદનાં મહિલા છે.