15 પુરાવા આપીને પણ પોતાને ભારતીય સાબિત ન કરી શકી આ મહિલા

ગુવાહાટીઃ વાત છે અસમની. એક એવી મહિલા કે જેણે પોતાની અને પોતાના પતિની નાગરિકતા સાબિત કરવા માટે 15 પ્રકારના દસ્તાવેજ રજૂ કર્યા, પરંતુ તે ફોરેનર્સ ટ્રિબ્યૂનલમાં હારી ગઈ. આ નિર્ણયને તેમણે હાઈકોર્ટમાં પડકાર્યો તો, ત્યાં પણ હારી ગઈ. હવે તે જીવનથી હારતી દેખાઈ રહી છે. તમામ પૈસા તેના કેસ લડવામાં ખર્ચાઈ ગયા છે. પતિ બિમાર છે, દિકરી પાંચમા ધોરણમાં અભ્યાસ કરે છે. દોઢસો રુપિયાના રોજમાં કેમ ચાલશે તે પ્રશ્ન હવે તેને સતાવી રહ્યો છે. તેની નાગરિકતા જતી રહી છે. પતિ-પત્ની એક-એક ક્ષણ ડરમાં વિતાવી રહ્યા છે. અસમમાં રહેનારી 50 વર્ષની આ મહિલા કે જે ખૂબ મુશ્કેલીથી પોતાના પરિવારને પાળી રહી છે, તે ખુદને ભારતીય નાગરિક સાબિત કરવાની લડાઈ એકલી જ લડી રહી છે. ટ્રિબ્યૂનલ દ્વારા વિદેશી જાહેર કરાયેલી જાબેદા બેગમ હાઈકોર્ટમાં પોતાની લડાઈ હારી ચૂકી છે અને સુપ્રીમ કોર્ટ તેની પહોંચથી ખૂબ દૂર છે. જબેદા ગુવાહાટીથી આશરે 100 કિલોમીટર દૂર બક્સા જિલ્લામાં રહે છે. તે પોતાના પરિવારની એકમાત્ર સભ્ય છે કે જે કમાય છે. તેમના પતિ રજાક અલી લાંબા સમયથી બીમાર છે. દંપતીની ત્રણ દિકરીઓ હતી જેમાં એકનું દુર્ઘટનામાં મોત થયું અને એક અન્ય ગુમ થઈ ગઈ. સૌથી નાની અસ્મિના પાંચમા ધોરણમાં અભ્યાસ કરે છે.

જાબેદા અસ્મિનાના ભવિષ્યને લઈને વધારે પરેશાન રહે છે. તેની કમાણીનો મોટાભાગનો હિસ્સો તેની કાયદાકીય લડાઈમાં ખર્ચ થઈ જાય છે, ત્યારે આવામાં તેની દિકરીએ ઘણીવાર ભૂખ્યા જ સૂઈ જવું પડે છે. જાબેદાનું કહેવું છે કે, મને ચિંતા છે કે મારા ગયા પછી તેનું શું થશે? હું હવે હિંમત હારી ચૂકી છું.

ગોયાબારી ગામની રહેનારી મહિલાને ટ્રિબ્યૂનલે 2018 માં વિદેશી જાહેર કરી દિધી હતી. હાઈકોર્ટે પોતાના ગત આદેશોમાંથી એકનો હવાલો આપતા કહ્યું કે, મારા દ્વારા જમા કરવામાં આવેલા કાગળીયા જમિન મહેસૂલ રસીદ, બેંકના દસ્તાવેજ, અને પાન કાર્ડને નાગરિકતાના પુરાવા માનવાથી ઈનકાર કરી દેવાયો છે. આંસુઓ ભરેલી આંખો સાથે જાબેદાએ કહ્યું કે, મારી પાસે જે હતું, તે હું ખર્ચી ચૂકી છું. હવે મારી પાસે કાયદાકીય લડાઈ લડવા માટે સંસાધનો બચ્યા નથી.

જાબેદા બેગમે ટ્રિબ્યૂનલ સામે પોતાના પિતા જાબેદ અલી વર્ષ 1966,1971, 1970 ની મતદાર યાદી સહિત 15 ડોક્યુમેન્ટ જમા કરાવ્યા હતા, પરંતુ ટ્રિબ્યૂનલનું કહેવું છે કે, તે પોતાના પિતા સાથે તેની લિંકના સંતોષકારક પૂરાવા રજૂ ન કરી શકી. જન્મ પ્રમાણપત્રની જગ્યાએ તેણે પોતાના ગામના પ્રધાન પાસેથી એક પ્રમાણપત્ર બનાવડાવ્યું અને તે રજૂ કર્યું. આ પ્રમાણપત્રમાં તેના પરિજનોનું નામ અને જન્મના સ્થાનનું સરનામું હતું. પરંતુ આને ન તો ટ્રિબ્યૂનલે માન્ય રાખ્યું અને ન તો હાઈકોર્ટે.

ગામના પ્રધાન (સરપંચ) ગોલક કાલિતાએ જણાવ્યું કે, મને બોલાવવામાં આવ્યો હતો. મેં કહ્યું કે, હું તેને ઓળખું છું, કાયદાકીય રીતે તેમની પુષ્ટી પણ કરી હતી. અમે ગામના લોકોના સ્થાયી નિવાસ તરીકે તેમને સર્ટિફિકેટ આપીએ છીએ. ખાસકરીને દીકરીઓને કે જે લગ્ન બાદ બીજી જગ્યાએ ચાલી જાય છે.