રામ મંદિર ટ્રસ્ટમાં છેવટે મહંત નૃત્ય ગોપાલ દાસનો સમાવેશ

અયોધ્યાઃ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ અને તેની દેખરેખ માટે દિલ્હીમાં થનારી શ્રીરામ જન્મ ભૂમિ તિર્થ ક્ષેત્ર ટ્રસ્ટની પ્રથમ બેઠક પહેલા મોટા સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર મહંત નૃત્ય ગોપાલ દાસ અને વીએચપી નેતા ચંપત રાય જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટમાં શામિલ કરવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, રામ જન્મ ભૂમિ ન્યાસના અધ્યક્ષ નૃત્ય ગોપાલ દાસને રામ મંદિર ટ્રસ્ટમાં ટ્રસ્ટી બનાવવામાં આવી શકે છે. મહંત નૃત્ય ગોપાલ દાસ રામ મંદિર આંદોલનમાં સક્રિય ભૂમિકા નિભાવનારા લોકો પૈકી એક છે. તેઓ સતત મંદિર નિર્માણ માટે થનારા કાર્યોમાં સક્રિય ભૂમિકા નિભાવતા રહ્યા છે. તેમની આગેવાનીમાં લાંબા સમયથી રામ મંદિર નિર્માણ માટે ફાળો પણ એકત્ર કરવામાં આવ્યો છે. નૃત્ય ગોપાલ દાસ બાબરી વિધ્વંસના આરોપી છે અને લખનઉની સીબીઆઈ કોર્ટમાં તેમના વિરુદ્ધ કેસ ચાલી રહ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે ટ્રસ્ટની જાહેરાત કરી હતી ત્યારે તેમાં ટ્રસ્ટીઓના લિસ્ટમાં મહંત નૃત્યગોપાલ દાસનું નામ ન હોવું તે ચોંકાવનારી બાબત હતી. પોતાને ટ્રસ્ટમાં શામિલ ન કરવામાં આવ્યા તે વાતને લઈને નૃત્યગોપાલ દાસ નારાજ થઈ ગયા હતા, બાદમાં ભાજપના નેતાઓએ તેમને મનાવવા માટે અયોધ્યા જવું પડ્યું હતું. બીજી તરફ વિશ્વ હિંદુ પરિષદના આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ચંપત રાય પણ રામ મંદિર આંદોલન સાથે જોડાયેલા રહ્યા છે. અત્યારે રાય અયોધ્યામાં જ રહી રહ્યા છે અને વીએચપીના કામને વિસ્તારી રહ્યા છે. તાજેતરમાં જ ચંપત રાયે દાવો કર્યો હતો કે રામ મંદિરનું નિર્માણ વીએચપીના જ મોડલ પર થશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]