કેરળઃ સબરીમાલા મંદિરમાં પ્રવેશવાનો પ્રયત્ન કરી રહેલી એક મહિલા પર મરચાના સ્પ્રેથી હુમલો કરવામાં આવ્યો છે. આ મહિલા કાર્યકર્તા બિંદુ અમ્મિની સબરીમાલા મંદિરમાં પ્રવેશવાનો પ્રયત્ન કરી રહી હતી, ત્યારે તેના પર મરચાના સ્પ્રેથી હુમલો કરી દેવામાં આવ્યો. આ હુમલો પોલીસ કમીશનરની ઓફિસ બહાર જ થયો છે. એક મોબાઈલ ફોન દ્વારા રેકોર્ડ કરવામાં આવેલા વિડીયોમાં જોઈ શકાય છે કે અમ્મિની પોતાના ચહેરાને છુપાવીને તે યુવક પાસેથી ભાગી રહી છે. બિંદુને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.
મહિલા અધિકાર કાર્યકર્તા તૃપ્તિ દેસાઈ પણ સબરીમાલા સ્થિત ભગવાન અયપ્પાના મંદિરમાં પૂજા કરવા માટે મંગળવારના રોજ અહીંયા પહોંચી હતી. દેસાઈ અને અન્ય કેટલાક કાર્યકર્તા મંગળવારના રોજ કોચ્ચિ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતર્યા હતા કે જ્યાંથી તેમને કોચ્ચિ શહેરના પોલીસ કમીશનરની ઓફિસમાં લાવવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે 26 નવેમ્બરના રોજ એ લોકો મંદિરમાં પૂજા કરવા ઈચ્છશે.
દેસાઈએ કહ્યું કે સુપ્રીમ કોર્ટના 2018 માં તમામ આયુવર્ગની મહિલાઓને સબરીમાલા મંદિરમાં પ્રવેશની મંજૂરીના આદેશ સાથે તે ત્યાં પહોંચી છે. મહિલા કાર્યકર્તાએ કહ્યું કે, મંદિરમાં પૂજા કર્યા બાદ જ હું કેરળમાંથી જઈશ. પુણેની રહેવાસી દેસાઈએ ગત વર્ષે નવેમ્બરમાં પણ મંદિરમાં દર્શન કરવાનો એક નિષ્ફળ પ્રયત્ન કર્યો હતો.