સિંચાઇ કૌભાંડમાં અજીત પવારને ક્લીનચીટ મામલે હવે કાનૂની લડાઇ?

નવી દિલ્હી: મહારાષ્ટ્રમાં સિંચાઈ કૌભાંડ સાથે સંકળાયેલા 9 કેસ બંધ કરવા સામે કોંગ્રેસ એનસીપી અને શિવસેનાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ સાથે જ ફડણવીસ સરકારને કોઈ પણ નીતિ વિષય નિર્ણય લેતા અટકાવવા માંગ કરી છે. જોકે મહારાષ્ટ્રના એન્ટી કરપ્શન બ્યુરો (ACB)ના સૂત્રોના હવાલેથી સમાચાર એજન્સીએ ANI કહ્યું છે કે બંધ કરવામાં આવેલા 9 કેસ પૈકી કોઈ પણ કેસ અજીત પવાર સાથે જોડાયેલ નથી. મહત્વનું છે કે, અજીત પવારે ગયા શનિવારે નાટ્યાત્મક ક્રમમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે નાયબમુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. બ્યુરોના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ એક રૂટીન પ્રક્રિયા છે.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ઉથલ પાથલ વચ્ચે એક સમાચાર એવા પણ આવ્યા હતા કે ACB એ સિંચાઈ કૌભાંડ સાથે જોડાયેલ નવ કેસ બંધ કરી દીધા છે. સિંચાઈ કૌભાંડમાં અજીત પવાર પણ આરોપી છે જેને હાલ ફડણવીસ સરકારમાં નાયબમુખ્યમંત્રી બનાવી દેવામાં આવ્યા છે.

આ મામલે વિવાદ વધતો જોઈ ACBના એક વરિષ્ઠ અધિકારી પરમવીર સિંહે જણાવ્યું હતું કે સિંચાઈ સાથે જોડાયેલ ફરિયાદના કેસમાં આશરે 3000 ટેન્ડરોની તપાસ અમે કરી રહ્યા છીએ. જે નિયમિત તપાસ છે, જે બંધ થઈ છે અને બાકી કેસમાં તપાસ પહેલાની જેમ ચાલી રહી છે. તેમણે કહ્યું કે જે કેસને બંધ કરવામાં આવ્યા છે તેમાંથી કોઈ પણ કેસ અજીત પવાર સાથે જોડાયેલો નથી. એન્ટી કરપ્શન બ્યુરોએ નોટિફિકેશન પ્રમાણે જે 9 કેસ બંધ કરવામાં આવ્યા છે, તેમાં વિદર્ભ ક્ષેત્રના વાશિમ, યવતમાલ, અમરાવતી અને બુલઢાણાની સિંચાઈ પરિયોજના સાથે જોડાયેલ છે.

અહીં મહત્વની વાત એ છે કે દેવેન્દ્ર ફડણવીસ અને ભાજપ સિંચાઈ કૌભાંડને લઈ હંમેશા અજીત પવાર પર નિશાન સાધતા રહ્યા છે. ફડણવીસ વર્ષ 2014માં મુખ્યમંત્રી બન્યા બાદ જે પહેલી કાર્યવાહી થઈ હતી, તે સિંચાઈ કૌભાંડમાં અજીત પવારની કથિત સંડોવણીની તપાસનો આદેશ આપ્યો હતો. આરોપોમાં કોંગ્રેસ NCPની સરકારના સમયે જ્યારે અજીત પવાર નાયબમુખ્યમંત્રી હતા ત્યારે આશરે રૂપિયા 7000 કરોડની હેરાફેરીનો આરોપ છે. સિંચાઈ કૌભાંડમાં મહારાષ્ટ્રમાં કોંગ્રેસ એનસીપી સરકારના સમયમાં અનેક સિંચાઈ પરિયોજનાને મંજૂરી આપી અને તેના અમલીકરણમાં અનિયમિતતાનો સમાવેશ થાય છે.

ગયા મહિને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા શરદ પવાર અને અજીત પવાર બંન્ને પર ઈડીએ મની લોન્ડરિંગનો આરોપ લગાવ્યો હતો જે એક કો ઓપરેટિવ બેંક સાથે જોડાયેલ હતો.