નવી દિલ્હીઃ 27 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાનની સીમામાં પાકિસ્તાની એફ-16 વિમાનને તોડી પાડનારા વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન એકવાર ફરીથી મિગ-21 ફાઈટર પ્લેન ઉડાવશે. એક મેડિકલ બોર્ડે તેમનો ફ્લાઈંગ ડ્યૂટી પર પાછા ફરવાનો રસ્તો સ્પષ્ટ કરી દીધો છે. આઈએએફ બેંગ્લેરના ઈન્સ્ટિટ્યૂટ ઓફ એરોસ્પેસ મેડિસિનને અભિનંદનને એકવાર ફરીથી ફાઈટર જેટના કોકપીટમાં બેસવાની મંજૂરી આપી દીધી છે.
આના માટે અભિનંદનને મેડિકલ ફિટનેસ ટેસ્ટથી પસાર થવું પડ્યું, જેમાં તેઓ પાસ થઈ ગયા. પ્રાપ્ત વિગતો અનુસાર અભિનંદન આવતા બે સપ્તાહમાં ફાઈટર પ્લેન મિગ-21માં ઉડાન ભરવાનું શરુ કરી શકે છે. અભિનંદન એર સ્ટ્રાઈકના સમયે ચર્ચામાં આવ્યા હતા. હકીકતમાં ભારતીય વાયુસેનાની એક એર સ્ટ્રાઈકથી હચમચી ગયેલા પાકિસ્તાને 27 ફેબ્રુઆરીના રોજ ભારતના હવાઈ ક્ષેત્રનું અતિક્રમણ કર્યું હતું. જેને ભારતીય વાયુસેનાએ અસફળ કરી દીધું હતું.
રક્ષા મંત્રાલયના સુત્રો દ્વારા આ જાણકારી આપવામાં આવી છે કે અભિનંદનને સૈન્ય સન્માન વીર ચક્રથી સન્માનિત કરવામાં આવી શકે છે. પાકિસ્તાની વિમાન તોડી પાડ્યા બાદ અભિનંદનની પાકિસ્તાન દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં તેમને મુક્ત કરી દેવામાં આવ્યા હતા. વીર ચક્ર ભારતમાં યુદ્ધના સમયે આપવામાં આવતું ત્રીજું સૌથી સર્વોચ્ચ સન્માન છે.
અભિનંદન સાથે જ પાકિસ્તાનના ખૈબર-પખ્તૂનખ્વા પ્રાંતમાં જૈશ-એ-મહોમ્મદના ઠેકાણાઓ પર મિરાજ-2000 યુદ્ધ વિમાનોથી બોમ્બ વર્ષા કરનારા પાંચ પાયલટોને પણ વાયુસેના મેડલ આપવામાં આવી શકે છે. ભારતીય વાયુસેનાના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે વીરતા પુરસ્કાર પ્રાપ્તકર્તાઓની અંતિમ યાદીને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા 14 ઓગષ્ટના રોજ મંજૂરી આપવામાં આવશે. અભિનંદને 27 ફેબ્રુઆરીના રોજ મિગ-21 બિસનથી પાકિસ્તાનના એફ-16 વિમાનોનો પીછો કર્યા બાદ એક વિમાન તોડી પાડ્યું હતું. તેમણે પાકિસ્તાનના એફ-16 વિમાનના ભૂક્કા કાઢી નાંખ્યા હતા.
બાદમાં તેમનું વિમાન એક પાકિસ્તાની મિસાઈલના નિશાને આવી ગયું જે નષ્ટ થતા પહેલા જ અભિનંદન વિમાનમાંથી નિકળી ગયા હતા ત્યાર બાદ પાકિસ્તાની ક્ષેત્રમાં તેઓ ફસાઈ ગયા હતા. પાકિસ્તાની સુરક્ષા દળોએ અભિનંદનની ધરપકડ કરી લીધી હતી. પરંતુ આશરે 60 કલાક બાદ તેમને અટારી સીમા પર ભારતને સોંપી દીધા હતા.