જગુઆર માટે BMW ડૂબાડી પાણીમાં, વિડિયો બનાવી TikTok પર મુક્યો

નવી દિલ્હી- હરિયાણાના યમુનાગર જિલ્લામાં એક એવો મામલો સામે આવ્યો છે, અહીં એક માલેતુજાર પિતાના પુત્રની હરકતને કારણે ચોતરફ ચર્ચા ચાલી રહી છે. પિતાએ તેમના પુત્રની માંગ પર જગુઆર કાર ન અપાવી તો પુત્ર તેમની બીએમડબ્લ્યૂ કારને લઈને પાણીની નહેરમાં ઉતરી ગયો. વાત અહીં અટકી નહીં એમણે તેમની આવી હરકતનો વિડિયો બનાવીને TikTok પર પણ અપલોડ કરી દીધો.

આ ઘટના યમુનાગરના મુકારમપુરનો છે, અહીંનો રહેવાસી આકાશ નામના એક યુવકે તેમની બીએમડબ્લ્યૂ નહેરમાં ઉતારી દીધી. કહેવામાં આવી રહ્યું છે કે, આકાશ પહેલાથી જિદ્દી સ્વભાવનો છે અને તેમણે તેમના પિતા પાસે જગુઆર કારની માગ કરી હતી, તેમના પિતાએ મનાઈ કરી દીધી હતી કારણ કે, તેમની પાસે બીએમડબ્લ્યૂ પહેલાથી જ છે.

આકાશને આ વાતનો ગુસ્સો આવતા તેમની બીએમડબ્લ્યૂ કાર યમુનાનગરના દાદુપુર સ્થિત એક નહેરમાં ઉતારી દીધી. કાર નહેરના પાણીમાં તણાઈને દૂર જતી રહી અને બાદમાં પાણીમાં ડૂબી ગઈ. સમગ્ર ઘટનાનો વિડિયો બનાવ્યો અને તેને સોશિયલ મીડિયા TikTok પર પણ અપલોડ કર્યો.

સૂચના મળતા જ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ. ડીએસપી દેસરાજે જણાવ્યું કે, આરોપીની ધરપકડ કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, નિષેધાજ્ઞાનો ભંગ કર્યો છે. હાલ તપાસ અને પુછપરછ ચાલી રહી છે.

ઘટનાને નજરે જોનારે બતાવ્યું કે, જે સમયે કાર નહેરમાં ડૂબતી દેખાઈ તે સમયે કારના વાઈપર અને ઈન્ડિકેટર ચાલુ હતાં. એવું લાગ્યું કે, કોઈ સ્પીડથી આવતી કાર નહેરમાં ખાબકી હશે. પરંતુ નજીક જઈને જોયું તો ત્યાં સુધીમાં તો કાર ચાલક કારમાંથી નીચે ઉતરી ગયો હતો.

તો બીજી તરફ બચાવ દળ અને પોલીસે કારને નહેરમાંથી બહાર કાઢવા માટે એડી ચોટીનું જોર લગાવી દીધું. મોટર બોટ અને મજબૂત દોરડાની મદદથી કારને બહાર ખેંચવામાં આવી.