મધ્ય પ્રદેશમાં હવે કમલનાથ હાથથી ‘કમળ’ ખિલવશે?

ભોપાલઃ મધ્ય પ્રદેશના રાજકારણમાં ફરી એક વાર ગરમાવો આવ્યો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ભૂતપૂર્વ મુખ્ય મંત્રી કમલનાથ અને તેમના પુત્ર તેમ જ સાંસદ નકુલનાથ ભાજપમાં સામેલ થવાની અટકળો તેજ થઈ છે. મધ્ય પ્રદેશની છીંદવાડા સીટથી લોકસભા સાંસદ નકુલનાથે સોશિયલ મિડિયા પ્રોફાઇલથી પાર્ટીનું નામ અને લોગો ગાયબ થઈ ગયું છે. પિતા-પુત્રની જોડી 19 ફેબ્રુઆરીએ ભાજપમાં સામેલ થવાની વકી છે.

આ પહેલાં કમલનાથે છીંદવાડાનો પ્રવાસ રદ કરીને પુત્ર સાથે દિલ્હી રવાના થઈ ગયા છે. તેમની આ દિલ્હીની મુલાકાતથી રાજકારણમાં ગરમાવો આવ્યો છે.ભાજપના પ્રદેશપ્રમુખ વીડી શર્માએ કમલનાથ અને તેમના પુત્ર માટે કહ્યું હતું કે તેઓ ભાજપમાં સામેલ થવા ઇચ્છે તો તેમનું સ્વાગત છે. આ પહેલાં ભાજપના ભૂતપૂર્વ લોકસભાનાં સ્પીકર સુમિત્રા મહાજને કમલનાથને ભાજપમાં સામેલ થવાની ઓફર કરી હતી. તેમણે કહ્યું હતું કે કમલનાથ આવવા ઇચ્છતા હોય તો રામનું નામ લઈને આવી શકે છે.

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી ડો. મોહન યાદવ અને પૂર્વ મુખ્યમંત્રી કમલ નાથ વચ્ચે ફરી એક વાર મુલાકાત થઈ હતી. અચાનક થયેલી આ મુલાકાતને લઈને કેટલીય વાતો વહેતી થઈ છે અને સાંજે છીંદવાડા કલેક્ટરને હટાવી દીધા. કલેક્ટરની અચાનક બદલીને આ મુલાકાત સાથે જોડીને જોવામાં આવે છે

છેલ્લા એક મહિનામાં કમલનાથ ત્રણ વારથી પણ વધારે મુખ્ય મંત્રી મોહન યાદવ સાથે મુલાકાત કરી ચૂક્યા છે. એક વાર ખુદ મુખ્યમંત્રી કમલ નાથને મળવા તેમના બંગલે પહોંચ્યા હતા. મુખ્ય મંત્રી ડોક્ટર મોહન યાદવ સાથે મુલાકાત કર્યા બાદ ભૂતપૂર્વ CM કમલ નાથે કહ્યું કે છીંદવાડાના વિષયમાં વાત કરવા આવ્યો હતો.