ગૌતમ ગંભીરની જગ્યાએ અક્ષયકુમારને ઉતારશે ભાજપ?

નવી દિલ્હીઃ ચૂંટણીની પિચ પર ગૌતમ ગંભીરે રિટાયરમેન્ટ લઈ લીધું છે. પૂર્વ-દિલ્હીથી સાંસદ અને ભૂતપૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી નહીં લડવાની ઘોષણા કરી દીધી છે. તેણે ટ્વીટ કરીને જણાવ્યું છે કે આગામી લોકસભાની ચૂંટણી તે નહીં લડે અને ક્રિકેટ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે. ગંભીરે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહને આ ટ્વીટમાં ટેગ કર્યા છે.

ગંભીરે ટ્વીટ કરતાં કહ્યું છે કે મેં પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડાજીને વિનંતી કરી છે કે મને મારાં રાજકીય કર્તવ્યોથી મુક્ત કરવામાં આવે, જેથી હું ક્રિકેટની પ્રતિબદ્ધતા પર ધ્યાન કેન્દ્રિત કરી શકું. હું વડા પ્રધાન મોદી અને ગૃહ મંત્રી અમિત શાહનો હ્દયથી આભાર વ્યક્ત કરું છું કે તેમણે મને લોકોની સેવા કરવાની તક આપી. જય હિંદ.

અહેવાલો અનુસાર બોલીવૂડના ખેલાડીકુમાર અક્ષય કુમારને દિલ્હીની કોઈ એક સીટ પરથી ભાજપ દ્વારા ચૂંટણી લડાવવામાં આવે એવી શક્યતા છે. પાર્ટીના કેટલાક નેતાઓ એક્ટરના સંપર્કમાં છે. જોકે હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન નથી આપવામાં આવ્યું. હાલ એક્ટરની કેરિયરનો ગ્રાફ પણ ઘણો નીચે ચાલી રહ્યો છે અને તેની પાછલી કેટલીય ફિલ્મો બોક્સ ઓફિસ પર ખાસ કંઈ બિઝનેસ નથી કરી રહી.

જોકે પૂર્વ દિલ્હીની એ સીટ કોંગ્રેસ પાર્ટી માટે ઘણી લકી રહી છે. આ સીટ પર કોંગ્રેસ અને ભાજપ- બંને પાર્ટીઓનો દબદબો રહ્યો છે. 2019 સુધી કોંગ્રેસે હંમેશાં ચૂંટણી લડી છે, પણ આગામી ચૂંટણીમાં કોંગ્રેસ તેના ઉમેદવારને અહીંથી નહીં ઉતારે. પૂર્વી દિલ્હી લોકસભા ક્ષેત્રની વસતિ 25 લાખથી વધુ છે અને આમાં દિલ્હી નગર નિગમના 30થી વધુ વોર્ડ આવે છે.