26 નવેમ્બર 2023 એટલે કે આજે મુંબઈમાં થયેલા ભયાનક હુમલાને 15 વર્ષ પૂર્ણ થયા. આજના દિવસે જ પાકિસ્તાન સ્થિત જેહાદી સંગઠન લશ્કર-એ-તૈયબના 10 લોકોએ મુંબઈની તાજ હોટલ પર હુમલો કરીને માયાનગરીને હચમચાવી નાખી હતી. તાજ હોટલ, નરીમાન હાઉસ, મેટ્રો સિનેમા અને છત્રપતિ શિવાજી ટર્મિનસ સહિત અન્ય સ્થળો પરના હુમલામાં અનેક લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. ખેર, આજે તો આપણે વાત કરવી છે એ વીર જવાનની, જેમણે છાતી પર ચાર-ચાર ગોળીઓના જખમ સહીને દેશના 150થી વઘુ લોકોના જીવ બચાવ્યા હતા.
‘આજે પણ દેશ માટે શહીદ થવુ પડે તો એ મારા માટે ગર્વની વાત છે…’ આ શબ્દો છે ઉત્તરપ્રદેશ બુલંદશહેરના નાનકડા એવા ગામ ભટૌનાના રહેવાસી અને મરીન કમાન્ડો રહી ચૂકેલા પ્રવીણકુમાર તેવતિયાના. 26 નવેમ્બર 2008ના રોજ દેશની આર્થિક રાજધાની મુંબઈ પર હુમલો કરનારા આતંકવાદીઓને હરાવવામાં પ્રવીણ કુમારે મોટી ભૂમિકા ભજવી હતી અને અદભુત સાહસ અને પરાક્રમના દર્શન કરાવ્યા હતા. તાજ હોટલમાંથી 150 થી વધુ લોકોના જીવ બચાવનાર આ બહાદુર જવાનને શૌર્ય ચક્રથી નવાજવામાં આવ્યા હતા. મુંબઈ તાજની અકલ્પનીય ઘટનામાં પ્રવીણ કુમારને ચાર ગોળી વાગી હતી.
અમદાવાદની મુલાકાતે આવેલા પ્રવીણ કુમાર ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કહે છે કે, ‘લાંબા સમય સુધી હોસ્પિટલમાં રહ્યા. બાદ યોગ, પ્રાણાયામ અને પ્રબળ ઈચ્છા શક્તિની મદદથી મારી જાતને સંપૂર્ણ સ્વસ્થ બનાવી છે. વિશ્વની સૌથી અઘરી સ્પર્ધા ગણાતી આયર્નમેનમાં સફળતાપૂર્વક ભાગ લેવાનું શરૂ કર્યું.’ 2017 માં નેવીમાંથી નિવૃત્ત થયા પછીપ્રવીણ તેવતિયા દેશની સેવા કરવા માટે બીજા મિશન પર નીકળ્યા. શક્ય એટલા વધુ લોકોને, ખાસ કરીને યુવાનોને સ્વસ્થ બનાવવાનું એ એમનું લક્ષ્ય છે.
તાજ હોટલમાં 26/11ના ઓપરેશન દરમિયાન એમને ચાર ગોળી વાગી હતી. એક ફેફસાને નુકસાન થયું હતું. એમની સારવાર ઘણા વર્ષો સુધી ચાલુ રહી. સારવારની સાથે એમણે યોગ અને પ્રાણાયામ અપનાવ્યા. આનાથી એ શારીરિક અને માનસિક રીતે મજબૂત બન્યા. લાંબા ગાળાની દવાઓ અને ઘણી શારીરિક સમસ્યાઓ હોવા છતાં, એમણે પોતાને વિશ્વની સૌથી મુશ્કેલ આયર્નમેન ઇવેન્ટ માટે તૈયાર કર્યા. જેમાં 3.8 કિલોમીટર દરિયાઈ સ્વિમિંગ, 180 કિલોમીટર સાયકલિંગ અને એક પછી એક 42.2 કિલોમીટર દોડવાનું સામેલ છે.
આ માટેની તૈયારીઓ વર્ષ 2012માં શરૂ થઈ હતી. ઘણી મેરેથોન સ્પર્ધાઓમાં ભાગ લીધો. 2015માં મુંબઈમાં મેરેથોન, 2016માં મુંબઈમાં હાફ મેરેથોન, 2017માં જયપુર અને ગોવા ટ્રાયથ્લોન પૂર્ણ કરી. સપ્ટેમ્બર 2017માં લદ્દાખમાં અત્યંત કઠિન 72 કિમી લાંબી ખારદુંગલા મેરેથોન પૂર્ણ કરી. ખારદુંગલામાં ઓક્સિજનનું સ્તર ઘણું નીચું છે અને નિષ્ણાતો પણ આશ્ચર્યચકિત હતા કે નબળા ફેફસાંને એ કેવી રીતે સપ્લાય કરી શકાય!
વિશ્વમાં તેઓ કદાચ એકમાત્ર એવી વ્યક્તિ છે જેમના ફેફસાંને નુકસાન થયેલું છે અને છતાં જીવિત છે. એમના કેસને મેડિકલ સાયન્સમાં એક ચમત્કાર તરીકે જોવામાં આવે છે. પ્રવીણકુમારે હાર ન માનવાનું નક્કી કરી લીધું હતું. એમણે 26/11ના આતંકવાદી હુમલા વખતે હતા એના કરતા વધારે સક્ષમ બનાવવાનો નિર્ધાર કરી લીધેલો. એમણે રનિંગ, સ્વિમિંગ, સાઈકલિંગ શરૂ કર્યું અને એપ્રિલ 2018માં સાઉથ આફ્રિકામાં યોજાયેલી પ્રતિષ્ઠિત આયર્નમેન ટ્રાઈથ્લોન ચેમ્પિયનશિપ જીતી. જેમાં 3.8 કિમી સ્વિમિંગ, 180.25 કિમી સાઈકલ રાઈડ અને 42.2 કિમી રનિંગ કરવાનું હોય છે. એમણે આ સ્પર્ધા 14 કલાક, 19 મિનિટ અને 38 સેકન્ડમાં પૂરી કરી હતી. આ ઉપરાંત ખારદુંગલા ચેલેન્જમાં ભાગ લીધો. લદ્દાખમાં યોજાતી આ 72 કિમીની મેરેથોન સ્પર્ધા છે. આ મેરેથોન વિશ્વમાં સૌથી અઘરી મનાય છે.
આજે 26/11નો એ ગોજારો દિવસ છે ત્યારે આવા શુરવીરને એક સલામ તો કરવી જ રહી, જેમણે પોતાના જીવની પરવા કર્યા વગર માત્રને માત્ર પોતાની ફરજ માટે છાતી પર ગોળીના ઘા ઝીલ્યા. જો કે અફસોસની વાત એ પણ છે કે આવા વીરોનો માત્ર શોર્યચક્ર આપીને દેખીતી રીતે સન્માન આપવામાં આવે છે. હકીકતમાં આવા વીર એ દરેક સન્માનને હકદાર છે જે આજે એમને નથી મળતું.
ચિત્રલેખા.કોમ સાથે પોતાના દિલની વાત કરતા પ્રવિણકુમારે કહ્યું કે, ‘મારુ સન્માન કરવા સ્ટેજ પર બોલાવી સાલ ઓઢાડવામાં આવે છે પરંતુ બે મિનીટ માટે હાથમાં માઈક આપવામાં નથી આવતું. સરકાર કલાકારોને જેટલું મહત્વ આપે છે, એમને બ્રાન્ડ એમ્બેસેડર બનાવે છે. એની સાથે દેશના સંનિષ્ઠ શુરવીર સૈનિકોને પણ મહત્વ આપવું જોઇએ.’
હેતલ રાવ
તસવીરો: પ્રજ્ઞેશ વ્યાસ