મહારાષ્ટ્રના નાગપુરમાં સોમવાર રાત્રે ભડકેલી હિંસાનું માસ્ટરમાઈન્ડ શોધી કાઢવામાં આવ્યો છે. પોલીસે 38 વર્ષીય ફહીમ શમીમ ખાનને હિંસાનો મુખ્ય સૂત્રધાર ગણાવ્યો છે. નાગપુર પોલીસે દાવો કર્યો છે કે ફહીમ શમીમ ખાને ઉશ્કેરણીજનક ભાષણ આપ્યા બાદ શહેરમાં તણાવ વધી ગયો હતો. ફહીમ ખાન માઈનોરિટી ડેમોક્રેટિક પાર્ટીના નાગપુર અધ્યક્ષ છે અને 2024ની લોકસભા ચૂંટણીમાં પરિવહન મંત્રી નીતિન ગડકરી સામે ઉમેદવાર તરીકે ઊભા રહ્યા હતા.
મહાલ અને હંસપુરી સહિત નાગપુરના વિવિધ વિસ્તારોમાં બે જૂથો વચ્ચે મારામારી અને તોડફોડ થઈ હતી. આ હિંસા ફાટી નીકળ્યા બાદ ડીજીપી સહિત પોલીસ કર્મચારીઓ પર જીવલેણ હુમલા પણ થયા હતા. સૂત્રો પાસેથી મળતી જાણકારી પ્રમાણે એવો દાવો થાય છે કે, અભિનેતા વિકી કૌશલની ફિલ્મ “છાવા” અને નેતા અબુ આઝમીના ઔરંગઝેબને લઈને કરેલા નિવેદનો હિંસાના મુખ્ય કારણ બન્યા.
આ ઘટના બાદ નાગપુર પોલીસે 50 લોકોની ધરપકડ કરી છે અને 100થી વધુ લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે. શહેરમાં આરોપીઓની શોધખોળ ચાલી રહી છે અને શાંતિ જાળવવા માટે સુરક્ષા વધારાઈ છે. આ હિંસાને પગલે નાગપુરમાં સશસ્ત્ર દળોને તહેનાત કરવામાં આવ્યા છે, અને વધુ કડક કાર્યવાહી માટે પોલીસ તંત્ર સજ્જ છે.
