ભાજપ-MP પ્રતાપ સિમ્હાના પાસનો ઉપયોગ કરી બે શખ્સે લોકસભામાં હુમલો કર્યો

નવી દિલ્હીઃ સંસદભવનમાં આજે સુરક્ષા વ્યવસ્થામાં મોટું ભંગાણ પડ્યું હતું. બે અજાણ્યા શખ્સ મુલાકાતીઓની ગેલેરીમાંથી કૂદીને સંસદસભ્યો જ્યાં બેસે છે તે ભાગમાં ઘૂસી આવ્યા હતા અને પીળા રંગનો ધૂમાડો ફેલાવતા ગેસ કેનિસ્ટર્સ છોડ્યા હતા. બંનેએ કોઈક નારા પણ લગાવ્યા હતા, પણ એટલામાં સંસદસભ્યોએ એમને પકડી લીધા હતા અને માર્શલને હવાલે કરી દીધા હતા. આ ઘટના ઝીરો અવર વખતે બની હતી. યોગાનુયોગ, આજે દેશ 2001ના સંસદભવન આતંકી હુમલાની વરસી મનાવી રહ્યો છે.

બંને ઘૂસણખોરને સાગર શર્મા અને મનોરંજન તરીકે ઓળખી કાઢવામાં આવ્યા છે. તેઓ કર્ણાટકના મૈસુરુના ભાજપા સંસદસભ્ય પ્રતાપ સિમ્હાના મહેમાન તરીકે ગેલેરીમાં પ્રવેશ્યા હતા.

કટ્ટર હિન્દુત્વ વલણ માટે જાણીતા છે પ્રતાપ સિમ્હા

પ્રતાપ સિમ્હા કર્ણાટકના મૈસુરુ કોડાગુ લોકસભા મતવિસ્તારમાંથી 2019માં ચૂંટાઈ આવ્યા હતા. તેઓ 16મી લોકસભામાં પણ ચૂંટણી જીત્યા હતા. 42 વર્ષના પ્રતાપ સિમ્હા ભૂતપૂર્વ પત્રકાર છે. એમણે કન્નડ પ્રભા અખબારમાં કામ કર્યું હતું. એમાં તેઓ અનેક કોલમ લખવા માટે જાણીતા હતા. 2014માં રાજકારણમાં પ્રવેશતા પહેલા એમણે અખબારમાંથી રાજીનામું આપ્યું હતું. તેઓ કર્ણાટક ભાજપ યુવા મોરચાના પ્રમુખ બન્યા હતા. 2019ની લોકસભા ચૂંટણીમાં તેઓ 1.39 લાખ મતોથી વિજયી થયા હતા. તેઓ હિન્દુત્વના પ્રચારમાં કટ્ટર વલણ માટે પણ જાણીતા છે. સંસદસભ્ય તરીકેની એમની મુદત દરમિયાન અનેક વિવાદો થયા છે. 2014ની ચૂંટણીમાં એમણે ઉડુપી ચિકમગલુર બેઠક પરથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પણ એમને મૈસુરુમાંથી લડવા જણાવાયું હતું.