નવી દિલ્હીઃ જમ્મૂ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 દૂર કરવાની જેણે ખૂબ ટીકા કરી હતી તે બ્રિટિશ સાંસદ ડેબી અબ્રાહમ્સને યોગ્ય ડોક્યુમેન્ટ્સ ન હોવાના કારણે દિલ્હીથી દુબઈ ડિપોર્ટ કરી દેવામાં આવ્યા. અબ્રાહમ્સ દુબઈથી ભારત આવ્યા હતા. લેબર પાર્ટીની સાંસદના નિવેદનનું ગૃહ મંત્રાલયે ખંડન કરતા કહ્યું કે, બ્રિટિશ સાંસદના ઈ-વિઝા રદ્દ કરી દેવામાં આવ્યા હતા. અબ્રાહમ્સને ડિપોર્ટ કરવાના સરકારના નિર્ણયની કોંગ્રેસે આકરી ટીકા કરી છે.
અબ્રાહમ્સ બ્રિટનની વિપક્ષી લેબર પાર્ટીની સાંસદ છે. તે વર્ષ 2011 થી જ આઉટર ગ્રેટર મેનચેસ્ટરના ઓડહામ ઈસ્ટ અને સિડલવર્થથી સાંસદ છે. તે વર્ષ 2015,2017 અને 2019 માં સાંસદ તરીકે ચૂંટાઈ હતી. અબ્રાહમ્સ બ્રિટિશ સંસદની જૂન 2011-15 સુધી વર્ક એન્ડ પેંશન સિલેક્ટ કમિટીની સભ્ય રહી હતી. તે વર્ષ 2015 માં બીજીવાર ચૂંટાયા હતા.
લેબર સાંસદ કાશ્મીર પર સર્વદલીય સંસદીય સમિતિની અધ્યક્ષ છે. APPG માં બ્રિટનના બંન્ને સદનો હાઉસ ઓફ લોર્ડ્સ અને હાઉસ ઓફ કોમન્સના સભ્યો હોય છે. APPG નો ઉદ્દેશ્ય કાશ્મીરમાં ત્યાંના લોકો સાથે વાત કરીને સ્વાયત્તતાનું સમર્થન કરવાનો છે.
અબ્રાહમ્સ એ સાંસદો પૈકી એક છે કે, જેમણે ગત વર્ષે ઓગસ્ટમાં આર્ટિકલ 370 અંતર્ગત જમ્મૂ-કાશ્મીરને પ્રાપ્ત વિશેષ રાજ્યના દરજ્જાને પોછો લેવામાં આવ્યા બાદ ઔપચારિક પત્ર જાહેર કર્યા હતા. વિપક્ષી સાંસદે તે સમયે બ્રિટનના વિદેશ મંત્રી ડોમનિક રાબને પત્ર લખીને કહ્યું હતું કે, અમે ભારતના ગૃહ મંત્રી અમિત શાહની આ જાહેરાતથી ખૂબ ચિંતિત છીએ કે જમ્મૂ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપવા સંબંધિત આર્ટિકલ 370 ને રાષ્ટ્રપતિ આદેશ દ્વારા હટાવી દેવામાં આવ્યો છે.
અબ્રાહમ્સના પ્રોફેશનલ બેકગ્રાઉન્ડની વાત કરીએ તો, તે ફેકલ્ટી ઓફ પબ્લિક હેલ્થની ફેલો રહી છે. આ સંસ્થા બ્રિટનના ડોક્ટરો અને વિશેષજ્ઞોની ટોચની પ્રોફેશનલ બોડી છે. અબ્રાહમ્સ દેશમાં હેલ્થ મિનિસ્ટ્રીને સલાહ આપવા સીવાય વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને પણ સલાહ આપે છે.