વારાણસીમાં મોદી ઓટો ચાલક કેવટને કેમ મળ્યા?

વારાણસીઃ વડાપ્રધાન મોદી 16 ફેબ્રુઆરીના રોજ પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં હતા. વડાપ્રધાન મોદીએ બનારસની જનતાને 1200 કરોડ રુપિયાની પરિયોજનાઓની ભેટ આપી. વારાણસીમાં તેમણે રિક્ષા ચાલક મંગલ કેવટ સાથે પણ મુલાકાત કરી. મંગલ કેવટ એ જ રિક્ષા ચાલક છે, કે જેમણે વડાપ્રધાન મોદીને પોતાની દીકરીના લગ્ન માટે આમંત્રિત કર્યા હતા. વડાપ્રધાને તેમની સાથે મુલાકાત કરી હતી. સાથે જ વડાપ્રધાન મોદીએ સ્વચ્છ ભારત અભિયાનમાં મંગલ કેવટના યોગદાનને લઈને તેમના વખાણ પણ કર્યા હતા.

મંગલ કેવટની દીકરીના લગ્ન પર વડાપ્રધાન મોદીએ પત્ર મોકલીને તેમને શુભેચ્છાઓ આપી હતી. વડાપ્રધાન મોદીનો પત્ર મળતા જ કેવટ પરિવાર ખૂશીથી ઝુમી ઉઠ્યો હતો. મંગલ કેવટે આ મામલે જણાવ્યું કે, અમે પહેલું આમંત્રણ વડાપ્રધાન મોદીને મોકલ્યું હતું. હું પોતે લગ્નનું કાર્ડ લઈને દિલ્હી ગયો હતો અને પીએમઓને સોંપ્યું હતું. 8 ફેબ્રુઆરીના રોજ અમને મોદીજી દ્વારા શુભેચ્છા પત્ર મળ્યો. અમે આ પત્ર મેળવીને ઉત્સાહિત થઈ ગયા હતા.

મંગલ કેવટ અને તેમની પત્ની રેનૂ દેવીએ વડાપ્રધાનના વારાણસી પ્રવાસ પર તેમને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. બાદમાં તેમણે વડાપ્રધાન સાથે મુલાકાત કરી હતી. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીથી પ્રેરિત થઈને કેવટે પોતાના ગામમાં ગંગા નદીની સફાઈની જવાબદારી ઉઠાવી હતી. વડાપ્રધાન મોદીએ, સ્વચ્છ ભારત ઝુંબેશ અને ગંગા નદીની સફાઈને લઈને મંગલના વખાણ કર્યા હતા.