નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી આજે સાંજે દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. 15 મિનિટથી પણ ઓછા સમયના આ સંબોધનમાં મોદીએ લોકોને કોરોના વાઈરસ મહાબીમારીને હળવાશથી ન લેવાની અપીલ કરી હતી. એમણે ભારપૂર્વક કહ્યું કે, દેશમાં લોકડાઉન ભલે જતું રહ્યું છે, પણ વાઈરસ હજી ગયો નથી.
મોદીએ કહ્યું કે, આ વાઈરસ-વિરોધી રસી જ્યાં સુધી બની ન જાય ત્યાં સુધી સહુએ સાવધાની રાખવાની છે. આ રસી માટે આખી દુનિયામાં ઝડપથી સંશોધન ચાલી રહ્યું છે. ભારતમાં પણ વિજ્ઞાનીઓ એ તૈયાર કરવામાં વ્યસ્ત છે. આપણે ત્યાં આશાસ્પદ સ્થિતિ છે. કોરોના રસી જ્યારે આવશે ત્યારે એ પ્રત્યેક નાગરિક સુધી પહોંચે એ માટે સરકારની તૈયારીઓ ચાલુ છે અને એ દિશામાં ઝડપથી કામ ચાલુ છે. સફળતા પૂરેપૂરી ન મળે ત્યાં સુધી આપણે લાપરવાહી બતાવવી ન જોઈએ. વેક્સીન ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી આપણે કોરોના સામેની આપણી લડાઈને નબળી પડવા દેવાની નથી, એમ તેમણે વધુમાં કહ્યું.
વડા પ્રધાને નિર્દેશ કરવા સાથે ચિંતા વ્યક્ત કરી હતી કે ઘણે સ્થળે લોકો કોરોના વિશે સાવધાની રાખતા નથી. આ બરાબર નથી. દેશમાં કોરોનામાંથી રિકવરી રેટ સારો છે, પરંતુ એનો અર્થ એવો નથી કે કોરોના રોગચાળો જતો રહ્યો. જે લોકો કોરોના સામે લાપરવાહી રાખે છે, માસ્ક પહેર્યા વગર ઘરની બહાર નીકળે છે, તેઓ પોતાને, પોતાના પરિવારને, પરિવારના બાળકોને, વૃદ્ધજનોને મોટા સંકટમાં નાખી રહ્યા છે.
તમામ દેશવાસીઓને નવરાત્રી, દશેરા, ઈદ, દિવાળી, છઠ પૂજા, ગુરુ નાનક જયંતિ જેવા તમામ તહેવારો માટે શુભેચ્છા આપીને પીએમ મોદીએ એમનું રાષ્ટ્રજોગ સંબોધન સમાપ્ત કર્યું હતું.
મોદીએ આ આ વર્ષમાં આ સાતમી વાર રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું. સૌથી પહેલાં એમણે 19 માર્ચે કોરોના સંકટના આગમન વખતે દેશવાસીઓને સંબોધિત કર્યા હતા અને જનતા કર્ફ્યૂને સફળ બનાવવાની અપીલ કરી હતી. ત્યારબાદ એમણે 24 માર્ચે ફરી દેશને સંબોધિત કર્યો હતો અને 21 દિવસ સુધી લોકડાઉનની ઘોષણા કરી હતી.
