નવી દિલ્હીઃ ઈસરોએ એક સ્પેસ ક્વિઝ કોમ્પિટીશન લોન્ચ કરી છે. જે પણ વ્યક્તિ આ સ્પર્ધા જીતશે તેને વડાપ્રધાન મોદી સાથે બેસીને ચંદ્રયાન-2 ને ચંદ્ર પર ઉતરતું જોવાની તક મળશે. આ ક્વિઝ કોમ્પિટીશન 9 ઓગસ્ટની રાત્રે 12 વાગ્યાથી શરુ થઈ ગઈ છે જે 20 ઓગસ્ટ સુધી ચાલશે. આમાં ધોરણ 8 થી 10ના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે.
ગત દિવસોમાં વડાપ્રધાન મોદીએ મન કી બાતમાં વિજ્ઞાન પ્રત્યે બાળકોની રુચિ વધારવા માટે એક ક્વિઝ કોમ્પિટિશનનો ઉલ્લેખ કર્યો હતો. આ ક્વિઝમાં સફળ થનારા બાળકોને ઈસરોના બેંગ્લોર સ્થિત સેન્ટરમાં જવાની તક મળશે. અને તે વડાપ્રધાન મોદી સાથે બેસીને ચંદ્રયાન-2 નું ચંદ્રમા પર લેન્ડિંગ જોઈ શકશે.
ભારત સરકારની વેબસાઈટ mygov.in પર જઈને આ ક્વિઝ કોમ્પિટીશનમાં આ શામેલ થઈ શકો છો. આમાં 10 મીનિટમાં 20 પ્રશ્નોના જવાબ આપવા પડશે. સ્ટાર્ટ બટનને ક્લિક કરતાં જ સમય શરુ થઈ જશે. શરુ થયા બાદ ક્વિઝ આપ પોઝ નહીં કરી શકો. આમાં એક વિદ્યાર્થીને એકવાર જ તક મળશે.
ઈસરોની વેબસાઈટ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર ઓછા સમયમાં વધારે પ્રશ્નોનો જવાબ આપનાર વિદ્યાર્થી ક્વિઝનો વિજેતા થશે. સૌથી વધારે નંબર લાવનારા દરેક પ્રદેશના બે છાત્રોને ઈસરોના બેંગ્લોર સ્થિત સેન્ટરમાં બોલાવવામાં આવશે.
વડાપ્રધાન મોદીએ મન કી બાતમાં કહ્યું હતું કે વિદ્યાર્થીઓ માટે આ એક સુવર્ણ તક છે. આ હાથથી જવા ન દો. તેમણે શાળાના સ્ટાફને પણ આગ્રહ કર્યો કે તે વિદ્યાર્તીઓને આમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરે.
આપને જણાવી દઈએ કે ચંદ્રયાન-2 શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી 22 જુલાઈના રોજ પ્રક્ષેપિત કરવામાં આવ્યો હતો. આ 48 દિવસ બાદ સપ્ટેમ્બરના રોજ ચંદ્રમાના દક્ષિણી ધ્રુવ પર ઉતરશે. ચંદ્રયાન-2 ને GSLV-MK3 રોકેટથી લોન્ચ કરવામાં આવ્યું હતું.