ભારતને અંતરિક્ષમાં પહોંચાડનાર ગુજરાતી વિક્રમ સારાભાઈને ગૂગલ ડૂડલનું સલામ

અમદાવાદઃ 12 ઓગસ્ટ 1919ના રોજ અમદાવાદના અગ્રણી કાપડ વેપારીના ઘરે એક બાળકનો જન્મ થયો. જ્યારે લોકોની નજર આ બાળકના કાન પર પડી તો મહાત્મા ગાંધીની જેમ વિશાળ કાન હતાં. જોકે ત્યારે કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે આગળ જતા આ બાળક એટલો મહાન બનશે કે કુટુંબ અને શહેરમાં જ નહીં દેશદુનિયામાં પણ તેનું નામ થશે અને અંતરિક્ષમાં પણ તેની છાપ રહેશે. આ બાળક હતાં આપણા વિક્રમ સારાભાઈ. ભારતનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ચંદ્રયાન મિશન-2 જેમ જેમ આગળ વધી રહ્યો છે તેમ તેમ ભારતીય અંતરિક્ષ કાર્યક્રમની સફળતાની એ કહાની આગળ વધી રહી છે. જેના પાયાના પથ્થર વિક્રમ સારાભાઈ હતાં. તેમના જન્મદિવસે ગૂગલે ખાસ ડૂડલ બનાવીને તેમને યાદ કર્યા છે.

વિક્રમનો જન્મ સુખ સુવિધાઓથી ભરેલા ઘરમાં થયો હતો. ત્યાં સુધી કે તેમનું ભણતર પણ તેમના જ પરિવાર દ્વારા બનાવવામાં આવેલ એક પ્રયોગાત્મક સ્કૂલમાં થયું જેમાં વિજ્ઞાન પ્રત્યે તેમની જિજ્ઞાસા વધારવા અને જાણકારીને ધાર આપવા માટે એક વર્કશોપ પણ હતો. સારાભાઈ 18 વર્ષની ઉંમરે પોતાના પારિવારિક મિત્ર રવીન્દ્રનાથ ટાગોરની ભલામણથી કેમ્બ્રિજ પહોંચી ગયા હતાં. જોકે બીજુ વિશ્વ યુદ્ધ શરુ થતા તેઓ બેંગલુરુના ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સમાં નોબલે પુરસ્કાર વિજેતા ડૉ. સી.વી. રામનના તત્વાધાનમાં રીસર્ચ માટે પહોંચી ગયા હતાં.

આવી રીતે વધી રુચિ

અહીં તેમની મુલાકાત યુવાન વૈજ્ઞાનિક હોમી ભાભા સાથે થઈ. અહીં જ તેઓ ક્લાસિકલ નૃત્યાંગના મૃણાલિની સ્વામિનાથનને પણ મળ્યાં અને તેમની સાથે પ્રેમ થયો. અમેરિકન ફિઝિસિસ્ટ અને નોબેલ પુરસ્કાર વિજેતા રોબર્ટ મિલિકન જ્યારે કોસ્મિક કિરણોની ઇન્ટેસિટીના વર્લ્ડ સર્વે માટે ભારત આવ્યા ત્યારે વિક્રમ સારાભાઈએ પોતાના બલૂન પ્રયોગ દ્વારા તેમને મદદ કરી. જેના કારણે વિક્રમ સારાભાઈને પણ કોસ્મિક કિરણો અને પૃથ્વીના ઉપરના વાયુમંડળના ગુણો વિશે જાણવાની વધારે જીજ્ઞાસા જાગી. લગભગ 15 વર્ષ બાદ જ્યારે વૈજ્ઞાનિકોએ સ્પેસ અભ્યાસ માટે સેટેલાઇટ્સને એક મહત્વના સાધનના રૂપમાં જોયું તો, પંડિત જવાહરલાલ નહેરુ અને હોભી ભાભાએ વિક્રમ સારાભાઈને ચેરમેન  બનાવ્યા અને ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રીસર્ચની સ્થાપના માટે સમર્થન આપ્યું.

આસપાસની જિંદગીઓએ ઘણું શીખવ્યું…

સારાભાઈનો પરિવાર સાધન સંપન્ન હતો પરંતુ માનવામાં આવે છે કે, પોતાના નજીકના અનેક લોકો પાસેથી શીખીને જ તેમણે વિજ્ઞાન અને ખાસ કરીને સ્પેસ પ્રોગ્રામનો ઉપયોગ ભારતના ગરીબ લોકો માટે કરવાનું નક્કી કર્યું. વિક્રમે બાળપણમાં તેમના એક સંબંધી પાસેથી કાપડ મીલોમાં કામ કરતા મજદૂરોની સંઘર્ષની વાતો સાંભળી. આઝાદીના આંદોલન વખતે તેમની માતા અને બહેનને જેલમાં જવું પડ્યું. તેમની નાની બહેન ગીતાની હાલત આ બધું જોઈને ખરાબ થઈ ગઈ. થોડા વર્ષો બાદ તેમના ભાઈનું પણ અચાનક બિમારીને કારણે મોત થઈ ગયું. આ બધા અનુભવોમાં થઈ વિક્રમ સારાભાઈની અંદર એક સામાજીક ચેતના જાગી અને તેમણે વધુ સારી ટેક્નોલોજીનો ઉપયોગ કરી ગરીબ લોકોના જીવન વધુ સારા બનાવવા માટેનો નિર્ણય કર્યો.

સારાભાઈએ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદ, દર્પણ એકેડમી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ, નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાઇન સહિત સફળ સંસ્થાઓનો પાયો નાંખ્યો. તેઓ મેસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યુટ્સ ઓફ ટેક્નોલોજીમાં વિઝિટિંગ પ્રોફેસર રહ્યા અને હોમી ભાભાના મૃત્યુ બાદ કેટલાક સમય સુધી ઓટોમિક એનર્જી કમિશનની જવાબદારી પણ સંભાળી.

હંમેશા નવા દ્રષ્ટિકોણ પર ભાર મૂકતાં

વિક્રમ હંમેશા એક વૈજ્ઞાનિક તરીકે વિચારતા. તેમનું કહેવું હતું કે, જે વ્યક્તિએ વૈજ્ઞાનની રીતોને પોતાનામાં ઉતારી લીધી છે, તે કોઈ પણ સ્થિતિને એક દ્રષ્ટિકોણથી જોઈ શકે છે. કદાજ આ જ કારણ હતું કે, વિક્રમની કામ કરવાની પદ્ધતિમાં ઈનોવેશન,એન્ટરપ્રાઈઝ અને ઈમ્પ્રોવાઈઝેશન સૌથી મહત્વના હતાં. એટલા માટે જ તેમણે સ્પેસ પ્રોગ્રામની શરુઆત તિરુવંતપુરમના એક નાનકડા ગામ થુંબાથી કરી હતી, જ્યાં ન તો ઈન્ફ્રાસ્ટ્રક્ચર હતું કે ન તો ત્યાં બનેલી ઓફિસ છત. આ સ્થિતિમાં પણ યુવા ભારતીય વૈજ્ઞાનિકોની એક ટીમ ટેક્નોલોજી,પ્રોપલેન્ટ્સ, નોઝ કોન્સ અને પેલોડ જેવી વસ્તુઓ બનાવતા હતાં.

ભવિષ્ય માટે બ્લૂપ્રિન્ટ પહેલેથી જ તૈયાર કરી લીધી

સારાભાઈ સાથે કામ કરનાર વસંત ગોવારિક જણાવે છે કે, અમે દરેક સમયે મોટું વિચારતા હતાં. સારાભાઈની કામ કરવાની પદ્ધતી એકદમ કડક હતી. તેઓ વધુ સારુ પ્રદર્શન માટે સ્પર્ધાત્મક વાતાવરણ ઉભું કરતા હતા. ગોવારિકરનું કહેવું છે કે, સારાભાઈ દરેક વસ્તુને જાતે બનાવવા પર ભાર મુકતા જેથી પ્રેરણા મળતી હતી. નવેમ્બર 1963માં પ્રથમ બ્લાસ્ટ-ઓફ થયો અને વિક્રમે ઘરે ટેલિગ્રામ મોકલની રોકેટ શોર્ટની ખબર આપી. વિક્રમ સારાભાઈએ 15 ઓગસ્ટ 1969ના રોજ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન(ઇસરો)ની સ્થાપના કરી. અને 30 ડિસેમ્બર 1971ના રોજ 52 વર્ષની ઉંમરે જ તેમનું અચાનક મૃત્યું થઈ ગયું. એ સમય સુધીમાં તો સ્પેસ પ્રોગ્રામમાં હાજારોની સંખ્યામાં યુવા વૈજ્ઞાનિકો જોડાઈ ગયા હતાં અને તેઓ ટેક્નોલોજીથી લઈને ખેતી, જંગલ, મહાસાગર, ભૂવિજ્ઞાન અને કાર્ટોગ્રાફી સુધીનું ભવિષ્ય માટે એક બ્લૂપ્રિન્ટ તૈયાર કરી ચૂક્યા હતાં.

સાદગી અને સરળતાએ બનાવ્યા મહાન

સારાભાઈ તેમના કામ ઉપરાંત સરળ સ્વભાવ અને સાદગીના કારણે પણ જાણીતા હતાં. કહેવામાં આવે છે કે, એક સમયે વિશ્વના મહત્વના લોકો સાથે બેઠક કરનાર વિક્રમ તેમની લેબોરેટરીમાં ચપ્પલ પહેરલા અને સીટી વગાડતા જોવા મળતા હતાં. તેઓ પોતાનું બેગ પણ જાતે જ ઉપાડીને ચાલતા હતાં. ડૉ. પદ્મનાથ જોશી કહે છે કે, વિક્રમ સાથે થયેલી માત્ર 10 મિનિટની મુલાકાતે તેમની જીંદગી બદલી નાખી હતી.

જોશી આગળ કહે છે કે,  જ્યારે હું તેમની પાસે સ્પેસ ટેક્નોલોજી અને સામાજીક-આર્થિક સર્વે વચ્ચે સંબંધ જાણવા પહોંચ્યો તો તેમના રૂમમાં માત્ર એક લાકડાનું ટેબલ અને ખુરશીઓ હતી અને એક પંખો હતો. સારભાઈ એટલા સરળ હતા કે તેઓ કયારેક સૂટની નીચે ચંપ્પલ પહેરીને નીકળતા હતાં. તેઓ તેમના જૂનિયર્સ સાથે વાત કરતા હોય તેવી રીતે જ દેશના વડાપ્રધાન સાથે પણ વાત કરતાં. વિક્રમને સપના જોનાર વ્યક્તિ કહેવામાં આવતા હતા અને આજે તેમનું જોયેલું સપનાએ ભારતને ચંદ્ર પર પહોંચાડી દીધો.