રાહુલે રાજીનામું પાછું ન ખેંચ્યું; સોનિયા ગાંધી કોંગ્રેસનાં વચગાળાનાં પ્રમુખ નિમાયાં

નવી દિલ્હી – કોંગ્રેસ પાર્ટીની ગઈ કાલે અહીં મળેલી કાર્યકારી સમિતિની બેઠકમાં સોનિયા ગાંધીને પક્ષનાં વચગાળાનાં પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં હતાં. પક્ષનાં સભ્યોએ ઘણી વિનંતી કરી તે છતાં રાહુલ ગાંધીએ પક્ષપ્રમુખ પદેથી આપેલું રાજીનામું ખેંચવાનો ઈનકાર કર્યા બાદ એમના માતા સોનિયા ગાંધીએ પક્ષનો દોર ફરી પોતાનાં હાથમાં લઈ લીધો છે. અગાઉ એમણે 19 વર્ષ સુધી પક્ષનું સુકાન સંભાળ્યું હતું.

આમ, સોનિયાએ 20 મહિના બાદ ફરી પક્ષનું નેતૃત્ત્વ સંભાળી લીધું છે.

કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC)એ ગઈ કાલે તેની બીજી બેઠકમાં રાહુલ ગાંધીનું રાજીનામું સ્વીકારી લીધું હતું અને એની જાહેરાત ગઈ મોડી રાતે કરવામાં આવી હતી. CWC પક્ષનું સર્વોચ્ચ નિર્ણાયક જૂથ છે. એણે પક્ષ માટે હાલ અત્યંત કપરો સમય ચાલી રહ્યો છે એવું જણાવ્યું હતું અને આ સમયમાં પક્ષનું નેતૃત્ત્વ કરવા સોનિયા ગાંધીનાં અનુભવ અને કસોટીમાંથી પાર ઉતરી ચૂકેલી નેતાગીરી પર ભરોસો મૂકી દીધો છે.

2017માં સોનિયા ગાંધીએ આરોગ્યનાં કારણોસર પ્રમુખપદ છોડી દીધું હતું અને એ જ વર્ષના ડિસેંબરમાં રાહુલ પક્ષના પ્રમુખ બન્યા હતા. આમ, સોનિયા ગાંધી 20 મહિના બાદ ફરી આ પદ પર પાછાં ફર્યાં છે.

આ વર્ષે યોજાઈ ગયેલી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસનો રકાસ થયાના બે મહિના બાદ કોંગ્રેસમાં સર્વોચ્ચ સ્તરે નવી નિમણૂક કરવામાં આવી છે.

CWCની બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે જ્યાં સુધી અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ (AICC) રેગ્યૂલર પ્રમુખની નિમણૂક ન કરે ત્યાં સુધી વચગાળાનાં પ્રમુખ તરીકે સોનિયા ગાંધી રહેશે.

આ નિર્ણય લેતા પહેલાં પક્ષના ટોચનાં નેતાઓએ બે કલાક સુધી મસલત કરી હતી. આ નેતાઓમાં રાજ્ય એકમોનાં વડાઓ, કોંગ્રેસ વિધાનસભા પક્ષોનાં વડાઓ, પક્ષનાં સંસદસભ્યો, તેમજ સંસ્થાકીય સ્તરના નેતાઓનો સમાવેશ થાય છે.

આ બેઠકમાં જમ્મુ અને કશ્મીરની પરિસ્થિતિ વિશે પણ એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સરકારને જણાવવામાં આવ્યું હતું કે તે સ્થાનિક લોકોની ચિંતા દૂર કરવાનું કામ પારદર્શી રીતે કરે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]