વિશાખાપટ્ટનમઃ ગૃહ મંત્રાલયે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમની એલજી પોલીમર ઈન્ડસ્ટ્રીમાં એકવાર ફરીથી ગેસ લીક થવાના સમાચારો મામલે સ્પષ્ટીકરણ આપ્યું છે. મંત્રાલયે કહ્યું કે સ્થિતિ નિયંત્રણમાં છે. આ એક સામાન્ય ટેક્નિકલ ફોલ્ટ હતો જે અત્યારે નિયંત્રણમાં છે. આંધ્રપ્રદેશ પોલીસ દ્વારા વિશાખાપટ્ટનમાં તાત્કાલીક અસરગ્રસ્ત ક્ષેત્રમાં 2 કિલોમીટરના વિસ્તારને ખાલી કરાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સાથે જ લોકોને ગેસ લીક મામલે ખોટા સમાચારો પર વિશ્વાસ અથવા તો કોઈપણ અફવા પર વિશ્વાસ ન કરવા માટે કહેવામાં આવ્યું છે. પોલીસ કમિશનરે કહ્યુંઃ ગભરાવાની જરુર નથી
વિશાખાપટ્ટનમના પોલીસ કમિશ્નર આર.કે મીણાએ કહ્યું છે કે, ગભરાવાની જરુર નથી. તેમણે કહ્યું કે, ઘટનાસ્થળના 2 કિલોમીટરના વિસ્તારમાં આવનારા લોકોને તે વિસ્તાર ખાલી કરવાનું કહેવામાં આવ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલે વિશાખાપટ્ટનમ ગેસ લીક ઘટના મામલે નોંધ લીધી છે અને આજે આ મામલાની સુનાવણી કરવાનો નિર્ણય કર્યો છે. એનજીટીના અધ્યક્ષ એ.કે. ગોયલની અધ્યક્ષતા વાળી પીઠની સુનાવણી થશે.
કેટલાય ગામોને પહોંચી અસર
જિલ્લા અધિકારી વી. વિનયચંદે જણાવ્યું કે, ગેસ લીક એટલો તેજીથી થયો કે, એની અસર હેઠળ અનેક ગામનાં લોકો આવી ગયા હતા. તેમણે જણાવ્યું કે, ગેસ લીકના કારણે ધુંધળુ વાતાવરણ થયું અને એને કારણે તેને રોકવામાં ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. સવારે આશરે સાડા નવ વાગ્યે ધુંધળા વાતાવરણમાં ફેર જોવા મળ્યો. શરુઆતી તપાસમાં માહિતી સામે આવી છે કે, સ્ટાઈરીન ગેસ સામાન્ય રીતે તરલ રુપમાં ટેંકમાં રાખવામાં આવ્યો હોય છે અને તેના ભંડારનું તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસથી નીચે રાખવામાં આવે છે. 20 ડિગ્રી સેલ્સિયસ નીચે તાપમાન રહેવા પર આ પૂર્ણ રીતે સુરક્ષિત રહે છે.જો કે, તપાસમાં સામે આવ્યું છે કે, રેફ્રિજરેશન યૂનિટમાં ગડબડ થવાના કારણે આ રસાયણમાં બદલાઈ ગયું.
વિશાખાપટ્ટનમમાં જીવલેણ સ્ટાઈરિન ગેસ લીકેજ જે એલજી પોલિમર્સ ઈન્ડિયાના કારખાનામાં થયો તે દક્ષિણ કોરિયાની રસાયણ કંપની એલજી કેમની અનુષંગી કંપની છે. એલજી કેમએ એક સ્થાનિક કંપનીને ટેકઓવર કરીને 1997માં ભારતમાં આ વિસ્તારમાં વેપાર શરૂ કર્યો હતો. કંપનીના આ વાઈઝેગ યુનિટમાં પોલીસ્ટિરીનનું વિનિર્માણ થાય છે. જેનો ખાણીપીણી સેવા ઉદ્યોગમાં ખુબ ઉપયોગ થાય છે. આ રસાયણનો ઉપયોગ પ્લાસ્ટિકના એકવાર ઉપયોગમાં લેવાયેલા ટ્રે, અને કન્ટેઈનર, વાસણો, ફોમ્ડ કપ, પ્લેટ અને વાટકી વગેરે બનાવવામાં થાય છે. એકવાર ઉપયોગમાં લેવાયા બાદ તેને ફેંકી દેવાય છે.
શું છે સ્ટાઈરિન ગેસ?
સ્ટાઈરિન ગેસ એક જ્વલનશીલ તરલ છે. જેનો ઉપયોગ પોલીસ્ટિરીન પ્લાસ્ટિક, ફાઈબરગ્લાસ, રબર અને લેટેક્સ બનાવવા માટે થાય છે. વિશાખાપટ્ટનમના આ કારખાનામાં ઘટેલી દુર્ઘટનાએ ઉદ્યોગમાં રસાયણોને યોગ્ય રીતે રાખવાની રીતો પર સવાલ પેદા કર્યા છે. દુનિયાની સૌથી ખરાબ ઉદ્યોગ કટોકટી 1984ની ભોપાલ ગેસ ત્રાસદી છે જે આ દુર્ઘટના બાદ યાદ આવી ગઈ.