નવી દિલ્હી: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પછી આવનારા ભવિષ્યમાં ભારતમાં વિશ્વની પ્રથમ હાઈપરલુપ ટ્રેન દોડે તો નવાઈ નહીં. હાઈપરલુપ ટ્રેન એક ટ્યૂબમાંથી પસાર થાય છે જેની મહત્તમ સ્પીડ 1200 કિલોમીટર પ્રતિ કલાક જેટલી હોય છે. હાઈપરલુપ ટ્રેનને લઈને વર્જિન ગ્રુપે માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી સામે પ્રસ્તાવ રાખ્યો છે. વર્જિન ગ્રુપનું કહેવું છે કે, તે દિલ્હી અને મુંબઈ વચ્ચે આ ટ્રેન ચલાવવા માગે છે.
આ પ્રોજેક્ટને લઈને મહારાષ્ટ્ર સરકાર સાથે અગાઉ વાતચીત ચાલી રહી હતી પણ શિવસેના સરકાર સત્તા પર આવ્યા પછી પ્રોજેક્ટને અટકાવી દેવામાં આવ્યો, ત્યારપછી ગ્રુપના પ્રતિનિધિ નીતિન ગડકરી સાથે વાતચીત કરીને પ્રોજેક્ટને આગળ વધારવાના પ્રયત્નમાં છે.
વર્જિન ગ્રુપના સુત્રોના હવાલેથી મળતી માહિતી અનુસાર કંપનીના પ્રતિનિધિ દિલ્હીથી મુંબઈ વચ્ચે 1300 કિલોમીટર વચ્ચે આ ટ્રેનને દોડવવા માટે નીતિન ગડકરી સાથે મુલાકાત કરી હતી. ગ્રુપના કેટલાક પ્રતિનિધિઓ અત્યારે ભારતના પ્રવાસે છે અને પ્રોજેક્ટ સાથે જોડાયેલા તમામ સ્ટેક હોલ્ડર્સ સાથે વાતચીત કરી રહ્યા છે.
અગાઉ મુંબઈ-પૂણે વચ્ચે હાઈપરલુપ ટ્રેન ચલાવવાનો પ્લાન હતો
ગયા સપ્તાહે નીતિન ગડકરીએ કહ્યું હતું કે, તેમણે બુલેટ ટ્રેનની જેમ બીજા પ્રોજેક્ટને લઈને કેટલાક રોકાણકારો સાથે મુલાકાત કરી. વર્જિન ગ્રુપ પહેલા મુંબઈ-પૂણે વચ્ચે ટ્રેન પ્રોજેક્ટ માટે પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને તત્કાલિન ભાજપ સરકાર પાસેથી મંજૂરી પણ મળી ગઈ હતી. પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં 11.8 કિલોમીટર લાંબો ટ્રેક બનત જેમાં અંદાજે 10 અબજ ડોલરનો ખર્ચ થાત. આ ટ્રેક બનાવવામાં 2.5 વર્ષ જેટલો સમય લાગત.
મહારાષ્ટ્રનું કમાન સંભાળ્યા પછી મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે બુલેટ ટ્રેન સહિત એવા તમામ પ્રોજેક્ટ રદ કરી દીધા છે. નાયબ મુખ્યમંત્રી અજીત પવારે કહ્યું હતું કે, અમારી આર્થિક સ્થિતિ એટલી મજબૂત નથી કે અમે હાઈપરલુપ જેવા કોન્સેપ્ટને દેશમાં પ્રયોગ માટે લાવીએ. અત્યારે ટ્રાન્સપોર્ટના અન્ય માધ્યમો પર વિચાર કરવામાં આવી રહ્યો છે. જ્યારે આ પ્રકારની ટેક્નોલોજી અન્ય દેશોમાં પ્રયોગમાં લેવામાં આવશે ત્યારે એમે એના વિશે વિચારીશું.
સૂત્રોના જણાવ્યા અનુસાર હાઈપરલુપને લઈને ભલે વાતચીત ચાલી રહી હોય પણ એ અત્યારે શક્ય નથી. સમગ્ર વિશ્વમાં આ ટેક્નોલોજીનો ક્યાંય પણ ઉપયોગ કરવામાં નથી આવ્યો. વર્જિન ગ્રુપે ભારતમાં એવિયેશન, હોસ્પિટાલિટી, મ્યૂઝિક અને ટેલિકોમ સેક્ટરમાં પણ રોકાણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.