નિઝામુદ્દીન મકરજ મામલો સામે આવતા યુપી સરકાર એલર્ટ

લખનઉઃ દિલ્હીના નિઝામુદ્દીન મરકજના જે લોકો કોરોના વાયરસના શંકાસ્પદ મળ્યા છે તેમાં આશરે 100 લોકો યૂપીના છે ત્યારે હવે ઉત્તર પ્રદેશ સરકારે દિલ્હીના નિઝામુદ્દીન મરકજથી યૂપી આવેલા દરેક વ્યક્તિનો કોરોના ટેસ્ટ કરાવવાનો આદેશ આપ્યો છે. ડીજીપીએ મરકજથી ઉત્તર પ્રદેશ આવેલા લોકોનું લિસ્ટ પણ જાહેર કર્યું છે.

દક્ષિણ દિલ્હીના નિઝામુદ્દીન પશ્ચિમ વિસ્તારમાં એકથી 15 માર્ચ વચ્ચે તબલીગ-એ-જમાતના કાર્યક્રમમાં 2 હજારથી વધારે લોકો જોડાયા હતા. આમાં ઈન્ડોનેશિયા અને મલેશિયાના લોકો પણ જોડાયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે કેટલાક લોકોના કોરોના વાયરસના સંપર્કમાં આવ્યા બાદ વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે, મોટી સંખ્યામાં લોકોમાં બીમારીના લક્ષણ દેખાયાના રિપોર્ટ બાદ દિલ્હી પોલીસ અને સીઆરપીએફના ઓફિસરો અને મેડિકલ ટીમો રવિવારે રાત્રે વિસ્તારમાં ગઈ હતી.

ઓછામાં ઓછા 100 લોકોના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. આના રિપોર્ટ આજે આવી જાય તેવી શક્યતા છે. મુસ્લિમ સંગઠન તબલીગ-એ-જમાતના મુખ્યાલય અને ઘરો સહિત આખા વિસ્તારને અલગ કરી દેવામાં આવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે દિલ્હી પોલીસ, સીઆરપીએફની મેડિકલ ટીમો લોકોની તપાસ કરી રહી છે અને તેમને નિર્ધારિત હોસ્પિટલોમાં મોકલવામાં આવી રહ્યા છે. ગત સપ્તાહે શ્રીનગરમાં આશરે 60 વર્ષીય વ્યક્તિનું સંક્રમણના કારણે મોત થયા બાદ ચિંતામાં વધારો શરુ થયો છે. આ વ્યક્તિ આ કાર્યક્રમમાં જોડાયો હતો. અધિકારીઓ અનુસાર, સંગઠનના મુખ્યાલયમાં મોટી સભા બાદ નાની નાની મંડળીઓમાં પણ લોકો બેસતા હતા.

નોંધનીય છે કે દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં થોડા દિવસો પહેલા પ્રતિબંધો હોવા છતાં એક મોટા ધાર્મિક કાર્યક્રમનું આયોજન ચાલી રહ્યું હતું. આ કાર્યક્રમમાં લગભગ 1400 લોકો સામેલ હતાં. સોમવાર રાતે તેમાંથી 34 લોકોની તબિયત બગડી. ત્યારબાદ તેમને દિલ્હીની એક સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા. જેમાંથી એક વ્યક્તિનું મોત થયું. હવે નિઝામુદ્દીનમાં ભેગા થયેલા તમામ 1400 લોકોને કોરોના તપાસ માટે હોસ્પિટલ મોકલાયા છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ઈસ્લામિક સંગઠન તબ્લીગી જમાત પર એફઆઈઆર દાખલ કરવાના આદેશ આપ્યાં છે. તેમના પર લોકડાઉન દરમિયાન મોટી સંખ્યામાં લોકોને ભેગા કરવાનો આરોપ છે.